વડોદરાના વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલી શંકર પેકેજિંન કંપનીમાં ફરજ બજાવતા એક કર્મચારીનું રાતના સમયે રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ સાથે કંપનીના અન્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. જ્યારે પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે વાઘોડિયા પોલીસ દ્વારા કંપની ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મીડિયા અહેવાલ મુજબ, વાઘોડિયા જીઆઇડીસીમાં આવેલી શંકર પેકેજિંન કંપનીમાં 35 વર્ષીય રણજિતભાઇ ચતુરભાઇ પરમાર નોકરી કરતા હતા. સોમવારે જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે તેમની અચાનક તબિયત લથડી હતી. આથી તેમણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે કંપનીના અન્ય કર્મચારીઓમાં ગમગીની છવાઈ હતી. જો કે, કંપનીના મેનેજમેન્ટ દ્વારા મૃતકના પરિવાર સાથે કોઈ પણ પ્રકારે વાત કે મુલાકાત કરવામાં આવી નહોતી. આથી અન્ય કર્મચારીઓ રોષે ભરાયા હતા અને મૃતકના પરિવારને સન્માન સાથે યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી અને હડતાળ પર ઉતર્યા હતા.
બીજી તરફ મૃતકના પરિવારે આ કેસમાં ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કંપની ખાતે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે વાઘોડિયા પોલીસનો કાફલો પણ કંપની ખાતે પહોંચ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને ન્યાય અપાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.