અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજથી ચાર મહિના પહેલા નગરજનોને અનોખી ભેટ આપી હતી. પાલિકા દ્વારા ગામ તળાવ પાસે રૂપિયા 4 કરોડ 80 લાખના ખર્ચે સુવિધાઓથી સજ્જ સ્વર્ણિમ લેકવ્યુ પાર્કનું નિર્માણ કર્યું છે. આ લેકવ્યુ પાર્કમાં એક કિલોમીટરનો વોક વે, બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક, એક્યુપ્રેશર વોકે વે, તેમજ જીમના સાધનોની સુવિધા અને ગાર્ડન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સ્વર્ણીમ લેકવ્યુ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના સ્વર્ણિમ લેકવ્યુ ગાર્ડનને ખુલ્લું મુકાયાના ગણતરીના મહિનાઓમાં જ પ્રથમ વરસાદમાં તેમાં લાગેલા બ્લોક ઉખડી ગયા હતા, અચાનક 20 ફૂટ જેટલા અંતરના બ્લોક ઉખડી જતા કામગીરીની ગુણવતા સામે જાગૃત નાગરિકો એ સવાલો ઉભા કર્યા હતા, બ્લોક બેસાડવાની કામગીરી કરનાર કોન્ટ્રાકટર સામે પણ મામલે સવાલોનો મારો લોકો ચલાવી રહ્યા છે.
પ્રજાના ટેક્સના પૈસે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા લેકવ્યુ ગાર્ડનની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોવાની ચર્ચાઓએ બ્લોક ઉપસી આવ્યા બાદથી જોર પકડ્યું છે, ત્યારે સમગ્ર મામાલે કામગીરીની ચોકસાઈ અને નિરીક્ષણ કર્યા બાદ જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.