મણીપુરમાં મહિલાઓ પર થયેલ અત્યાચાર અને અભદ્ર વર્તનની બાબતે ઠેરઠેર વિરોધ પ્રદર્શિત થઇ રહ્યો છે. વિવિધ સંસ્થાઓ અને આદિવાસી સંગઠનો દ્વારા આવેદનો દ્વારા મણીપુરમાં બનેલ ઘટનાઓમાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે. ગતરોજ આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલ બંધના એલાનને ઠેરઠેર વ્યાપક પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલો મળ્યા છે. દરમિયાન આજરોજ આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર પંચની ઝઘડિયા પાંખ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને ઝઘડિયાના નાયબ કલેક્ટરને એક આવેદન આપીને મણીપુરની ઘટનાઓમાં દોષિતોને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
આવેદનમાં જણાવાયું હતું કે છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે દેશમાં ચિંતા ફેલાઇ છે.આ બાબતે સરકાર દ્વારા કોઇ નક્કર પગલા લેવાયા નથી એમ જણાવીને આ ઘટનાઓમાં સામેલ વ્યક્તિઓને કડક સજા કરાય તેવી માંગ કરી હતી. આવેદનમાં જણાવાયું હતું કે દેશના રાષ્ટ્રપતિ એક મહિલા હોય અને દેશમાં મહિલાઓ પર પાશવી કૃત્ય થાય એ વાત શરમજનક છે. આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે મણીપુરમાં ૮૦૦ થી ૧૦૦૦ જેટલા લોકોનું ટોળુ બે મહિલાઓ સાથે પાશવી કૃત્ય કરી રહેલ હોવાની વાત એક વાયરલ થયેલ વિડીઓમાં જોઇ શકાય છે. ભારત જેવા મહાન દેશમાં અસામાજિક તત્વો દ્વારા બે મહિલાઓને નિવસ્ત્ર કરીને જાહેરમાં એમનું સરઘસ કઢાય એ બાબત નારીજાતિનું અપમાન ગણાય અને તેનાથી વિશ્વમાં દેશની છબી કલંકિત થઇ છે, એમ જણાવીને દોષિતોની તાત્કાલિક ધરપકડ કરીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ આવેદનમાં કરવામાં આવી હતી.
મણીપુર ખાતે મહિલાઓ પર થયેલ અત્યાચાર બાબતે માનવ અધિકાર પંચ ઝઘડિયાએ આવેદન આપ્યું
Advertisement