અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં ઉટીયાદરા ગામની સીમમાં આવેલા પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલી ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપીને ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી પાડયો છે.
અંકલેશ્વરના ઉટીયાદરા પાસે આવેલી પી.જી.ગ્લાસ કંપનીમાં 18 સપ્ટેમ્બર 2019 ના બપોરના સમયે આશરે 25 થી 30 જેટલા ઇસમો પાઇપો, લાકડીઓ, ધારિયા જેવા સશસ્ત્ર મારક હથિયારો ધારણ કરીને ધાડ પાડી હતી. તેઓએ કંપનીની માલ મિલકત લઇ જવાનો પ્રયત્ન કરતા તે સમયે ત્યાં ફરજ પર હાજર સિક્યુરીટી ગાર્ડે તેઓને રોકતા આરોપીઓએ લોખંડની પાઇપો, લાકડીઓ, ધારીયાથી હુમલાઓ કરીને માર માર્યો હતો. લૂંટારુઓએ ગંભીર ઇજાઓ પહોંચાડી તેમના મોબાઇલો તથા માલ સામાનની લૂંટ કરી હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. જેનો ગુનો અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાયો હતો. આ ગુનામાં એલ.સી.બી દ્વારા અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા તલાશ ચાલુ હોય LCB પી.આઈ ઉત્સવ બારોટને માહિતી મળી હતી કે, અંક્લેશ્વરના ઉટિયાદરા ટ્રીપલ મર્ડરના ગુનાનો નાસતો ફરતો મુખ્ય માસ્ટર માઈન્ડ આરોપી લાલજી ઉર્ફે લાલો ગણેશભાઇ કાવીથીયા સુરત ખાતે મોટા વરાછા વિસ્તારમાં ખેતરમાં રહે છે અને હાલ વાડીમાં હાજર છે. જેથી પોલીસને મળેલી માહિતીના આધારે દેવસિંહ પટેલની વાડીમાંથી મુખ્ય આરોપી લાલજી ઉર્ફે લાલો ગણેશભાઇ કાવીથીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે CRPC એક્ટ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ અર્થે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
અંકલેશ્વરના ઉટીયાદરા ગામની સીમમાં પી.જી ગ્લાસ કંપનીમાં ધાડ અને ટ્રિપલ મર્ડરના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી
Advertisement