તારીખ ૨૪.૦૭.૨૩ નાં રોજ વહેલી સવારે ફરિયાદ મળતા સ્થાનિક સામાજિક સંગઠનો દ્વારા સી પંપીંગ સ્ટેશનની મુલાકાત લેતા સી પંપીંગ સ્ટેશનની સામે પ્રદૂષિત પાણીને રોકવા બનાવાયેલ ચેનલમાંથી કલરવાળું અને દુર્ગંધવાળુ પ્રદૂષિત પાણી અમરાવતી ખાડી તરફ વહી રહ્યું હતું.
આટલા દિવસોથી સતત વરસાદ પડે છે પરંતુ ઓદ્યોગિક વસાહતમાંથી વહેતા વરસાદી પાણીનુ કલર વરસાદી પાણીનાં કલર જેવું આવતું નથી. કલર અલગ અલગ સમયે બદલાય છે. અંકલેશ્વરની ઓદ્યોગિક વસાહતમાં તો હાલ કાળા કલરનો વરસાદ વરસ્યો હોય એવું લાગી રહ્યું છે.
પ્રથમ વરસાદમાં કલર યુક્ત વાસવાળુ પ્રદૂષિત પાણી વહેતુ હતું ત્યારે કારણ આપાયા હતા કે પ્રથમ વરસાદમાં આવું થાય પરંતુ હવે તો આ કારણ વ્યાજબી નથી. કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો આમાં લાભ લેતા હોય એવું લાગી રહ્યું છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળનાં સલીમ પટેલે જણાવ્યું હતું કે “વહેતાં પ્રદૂષિત પાણી માટે નોટીફાઇડ વિભાગ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી અને જીપીસીબીની કામગીરી ફકત સેમ્પલ લેવા અને રિપોર્ટ કરવા સુધી સીમિત રહી છે. દરેક વિભાગ એક બીજા ઉપર દોષારોપણ કરે છે. ઓદ્યોગિક સમૂહોનાં પ્રતિનિધિઓ અને અધિકારીઓ સામૂહિક પ્રયાસ કરી જો ઠોસ પરિણામલક્ષી કાર્યવાહી કરે તો ફર્ક પડી શકે એમ છે. પર્યાવરણની રક્ષા માટે જવાબદારો યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગ છે.