Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ખાતે સ્મૃતિસ્થળનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

Share

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની લોકપ્રિય કવિતા ‘મન મોર બની થનગાટ કરે..’માં દર્શાવેલા છે, તેવા વર્ષાઋતુના મનોરમ્ય વાતાવરણ વચ્ચે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રાથમિક શિક્ષણની ભૂમિ એવા રાજકોટના આંગણે ઝવેરચંદ મેઘાણીના યોગદાનને બહુમાન આપવાનો અવસર આવ્યો છે. એટલે કે ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં આવેલા સ્મૃતિસ્થળનું તા. ૨૨ જુલાઈના રોજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને ‘રાષ્ટ્રીય શાયર’ના ગૌરવભર્યાં બિરૂદથી નવાજેલાં તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્યસેનાની ઝવેરચંદ મેઘાણીના ૧૨૫ મી જન્મજયંતી વર્ષ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તેમના જીવનકવન સાથે સંકળાયેલા સ્થળોને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ’ હેઠળ સ્મૃતિસ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ ઈ.સ. ૧૯૦૧ માં રાજકોટ શહેરના સદર વિસ્તાર સ્થિત રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત પ્રાથમિક શાળા નંબર ૮માં શાળાશિક્ષણનો આરંભ કર્યો હતો. આ ૧૫૫ વર્ષ જૂની ઐતિહાસિક ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર ૮’નો ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક શાળાની મુલાકાત લઈને વિશ્વભરમાં વસતા સાહિત્યપ્રેમીઓ અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ અને સાહિત્યની મહામૂલી વિરાસતથી પ્રેરિત થાય તેમજ દેશપ્રેમની ભાવનાનું તેમનામાં સંસ્કાર-સિંચન થાય તે આશયથી અહીં મેઘાણીગાથા પ્રદર્શન, મેઘાણી-સાહિત્ય કોર્નર, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયની સ્થાપના પણ કરવામાં આવી છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીભાઈ મેઘાણીએ જણાવ્યું છે કે ગુજરાત સરકારના ટુરિઝમ કોર્પોરેશન ઑફ ગુજરાત લીમીટેડના સહયોગથી અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે શાળાનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેમજ રાજકોટ શહેર પોલીસના સહયોગથી અંદાજે રૂ. ૦૫ લાખના ખર્ચે મેઘાણીગાથા પ્રદર્શન અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સહયોગથી અંદાજે રૂ. ૦૨ લાખના ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય તથા મેઘાણી સાહિત્ય કોર્નર તૈયાર કરવામાં આવ્યા છે.

Advertisement

ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પૂર્વીબેન ગાંધીએ જણાવ્યું છે કે ઈ.સ. ૧૮૮૩ થી ઈ.સ. ૧૯૧૪ સુધીનું ઝવેરચંદ મેઘાણીના શાળા પ્રવેશની નોંધણી દર્શાવતું નોંધણીપત્રક આજપર્યંત શાળામાં જતનપૂર્વક જળવાયું છે. તા. ૨૨ જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે લોકાર્પણ કરાયા બાદ શહેરીજનો શાળા સમય બપોરે ૧૨ કલાકથી સાંજે ૦૫ કલાક દરમિયાન સ્મૃતિસ્થળની મુલાકાત લઈ શકશે. ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’, ‘વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે’, ‘રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ’, ‘આભમાં ઊગેલ ચાંદલો ને જીજાબાઇને આવ્યા બાળ’, ‘છેલ્લો કટોરો ઝેરનો આ – પી જજો, બાપુ’ જેવા શૌર્યગીતોના રચયિતા તથા પોતાની કલમથી અમૂલ્ય પ્રદાન કરી ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રને સમૃદ્ધ બનાવનાર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.


Share

Related posts

પાલેજ કુમારશાળામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ.

ProudOfGujarat

સુરતનાં ખટોદરા વિસ્તારમાંથી પસાર થતાં બી.આર.ટી.એસ.ના રૂટ ઉપર એક બસની અડફેટે રાહદારી યુવક ચઢી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના સારસા ડુંગર પર ચોમાસા દરમિયાન મનોહર દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!