ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરોનો અડિંગો યથાવત જોવા મળી રહ્યો છે, અનેક વિસ્તારોમાં રસ્તા વચ્ચે જ રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ વાહનો ચાલકોને રસ્તા ઉપર વાહનો હંકારવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, એક તરફ વરસાદી માહોલ વચ્ચે મસમોટા ખાડા તો બીજી તરફ રસ્તા વચ્ચે જ ઉભા રહી જતા ઢોર કારણે અકસ્માત થવાની ભીતિ જોવા મળી રહી છે.
ભરૂચ શહેરમાં ખાસ કરી કલેકટર કચેરી પાસે તેમજ કોર્ટ રોડ શક્તિ નાથ વિસ્તાર અને લિંક રોડ વિસ્તાર તેમજ પાંચબત્તીથી આલી ઢાળને જોડતા માર્ગ પર સાથે સાથે સ્ટેશન વિસ્તાર અને કસક ઢાળ વિસ્તાર, કોલેજ માર્ગદર્શન વિસ્તારમાં આ પ્રકારના અનેક રખડતા ઢોર રસ્તા વચ્ચે વાહનોને નડતરરૂપ બની રહ્યા છે જેને પગલે છાશવારે ટ્રાફિક જામની સ્થિતિનું પણ સર્જન થતું હોય છે તો કેટલાક સ્થળે નાના મોટા અકસ્માત પણ થતા હોવાનું કહેવાય રહ્યું છે.
મહત્વની બાબત છે કે ભૂતકાળમાં રખડતા ઢોરોના આતંકના કારણે એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે જે બાદ થોડા સમયે જાગૃત અવસ્થામાં આવેલું ભરૂચ નગરપાલિકાના તંત્ર દ્વારા ઢોર પકડવા અભિયાન શરૂ કર્યું હતું પરંતુ સમય વીતતા માત્ર દેખાડા પૂરતી કામગીરી રહી અને આખરે ફરી એકવાર શહેરમાં સ્થિતિ જે સે થે પ્રકારની જોવા મળી રહી છે, તેવામાં વધુ એકવાર આ પ્રકારના રખડતા ઢોરોને પાંજરા પોર મોકલી રસ્તા ઉપર જ ઢોર છોડતાં માલિકો સામે કાયદેસરની કાર્યવાહી તંત્ર તરફથી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.