સૌરાષ્ટ્રમાં વહેલીસવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ સહીતના જિલ્લાઓમાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. તેવામાં વધુ વરસાદ ખાબકે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવી છે. ત્યારે તેને જોતા ઈમરજન્સી જેવી સ્થિતિમાં રાહત કામગિરી માટે NDRF ની છ ટીમો તૈનાત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 5 અને કચ્છમાં એક એમ 6 ટીમો તૈનાત કરાઈ છે.
ગીર, સોમનાથ, અમરેલી, કચ્છ, રાજકોટ એનડીઆરએફની 6 ટીમ તૈનાત કરાઈ છે અન્ય ટીમોને જરુર પડતા સ્ટેન્ડબાય પણ રાખવામાં આવશે. 2 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે રહેવાના છે. ભારે વરસાદના કારણે જો પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો લોકોની સેવા માટે આ ટીમ હાજર રહેશે.
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં અત્યારે વરસાદ ખાબક્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢ જિલ્લામાં માળીયાહાટીના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા 4 કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે પાણી જ પાણી જેવી સ્થિતિ નીચાણવાળા વિસ્તારમાં જોવા મળી રહી છે. પાણી ભરાતા હાલાકી વધુ પડી રહી છે.