સોમવતી અમાસે દક્ષિણના મીની સોમનાથ એવા કાવી- કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને આવેલા દર્શનાર્થીઓની કાર દરિયાની ભરતીમાં ફસાઈ હતી. તાજેતરમાં જ ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા નદીમાં યુવાનોની કાર ડૂબી હોવાનો વિડીયો સામે આવ્યો હતો. સ્થાનિકો, માછીમારો અને તરવૈયાઓએ ભારે જહેમતે નદીમાંથી માંડ માંડ કાર બહાર કાઢી હતી.
આવી જ બીજી ઘટના જંબુસરના દરિયા કાંઠેથી સામે આવી છે. દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ એવા સ્તંભેશ્વર તીર્થ સ્થાને સોમવતી અમાસે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટ્યા હતા. મધ્યપ્રદેશ પાસિંગની કાર લઈને આવેલ દર્શનાર્થીઓ તેમની કાર દરિયા કિનારે પાર્ક કરી દર્શન કરવા ગયા હતા. જોકે તેઓ સાંજે પરત આવતા અમાસની ભરતીના લીધે કિનારે મુકેલી કાર પાણીમાં ગરક થવા લાગી હતી.
કારને બહાર કાઢવા અનેક પ્રયત્નો કરવા છતાં નીકળી ન હતી. અંતે દરિયામાં ડૂબતી કારને બહાર કાઢવા સ્થાનિકો, અન્ય દર્શનાર્થીઓ અને પોલીસ મદદે આવી હતી. 15 થી 20 લોકોએ મહા જહેમતે કારને બહાર કાઢી હતી.