ભરૂચ જિલ્લામાં ગુનેગારોની કરતુતો ઉપર અંકુશ મેળવવા માટે રેંજ આઇજી સહિત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓએ જિલ્લામાં સધન પેટ્રોલિંગ હાથ ધરી ગુનાખોરીને અંજામ આપતાં તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી તેઓને જેલના સળીયા ગણતા કર્યા છે, તેવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ એક સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના મારુતિ ધામ -2 ના મકાન નંબર 198 માં દરોડા પાડ્યા હતા, દરમ્યાન મકાનમાં રહેતા બબલુ કુમાર નરેશ મંડલ નામના ઈસમ પાસેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર મળી આવ્યું હતું.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મામલે એક પિસ્તલ તથા પાંચ જીવતા કારતુસ મળી કુલ 26 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ બબલુ મંડલ સામે જીઆઈડીસી પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.