દેશની સિક્રેટ વિગતો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIને માકલવા મુદ્દે ત્રણ આરોપીઓને આજે સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ત્રણ આરોપીઓમાંથી બે આરોપી અમદાવાદના જમાલપુરના અને એક આરોપી રાજસ્થાનના જોધપુરનો છે. ત્રણેય આરોપીની અમદાવાદ જિલ્લા ક્રાઇમબ્રાન્ચ દ્વારા વર્ષ 2012માં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટમાં 75 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતાં.
સદર કેસની વિગત પ્રમાણે અમદાવાદના જમાલપુરનો રહેવાસી આરોપી સીરાજુદ્દીન 2007માં પાકિસ્તાનના કરાંચીમાં જઈને તૈમુર નામના ISI એજન્ટને મળેલ હતો. જ્યારે રાજસ્થાનનો નૌશાદ અલી 2009માં પાકિસ્તાન જઈને ISI એજન્ટ તૈમુર અને તાહિરને મળ્યો હતો. અમદાવાદના આરોપી સીરાજુદ્દીન અને સાકીરની પૈસા લેવા જતી વખતે ક્રાઇમબ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે જગ્યાએથી આરોપીઓએ પૈસા ઉપાડ્યા તે સાયબરકાફેમાં જઈને ક્રાઇમબ્રાન્ચ દ્વારા સ્ક્રીન શોટ લેવામાં આવ્યા હતા. આ આરોપીઓ પાકિસ્તાનના ISI એજન્ટને ભારતની લશ્કરી માહિતી પૂરી પાડીને પૈસા મેળવતા હતા.
આરોપીઓએ વેસ્ટર્ન યુનિયન મની ટ્રાન્સફર ધ્વારા 1.96 લાખ અને મનીગ્રામ દ્વારા 06 હજાર એમ કુલ 02 લાખ રૂપિયા ISI પાસેથી મેળવ્યા હતા.અમદાવાદના આરોપી સીરાજુદ્દીનના ઘરની તપાસ કરતા અમદાવાદ કેન્ટોનમેન્ટનો નકશો મળી આવ્યો હતો. જ્યારે રાજસ્થાનના નૌશાદે રાજસ્થાનના જોધપુર કેન્ટોનમેન્ટની અને BSF હેડક્વાર્ટરની માહિતી ISI એજન્ટને મોકલીને પૈસા મેળવતો હતો. આરોપીઓએ રાજસ્થાન, અમદાવાદ અને ગાંધીનગર મિલિટરી કેમ્પની રેકી કરી હતી. આ માહિતી આરોપીઓએ ત્રણ વર્ષ સુધી આ માહિતી ISI ને મોકલી હતી.
જજ એ.આર.પટેલે ચુકાદામાં મહત્વનું અવલોકન કર્યું હતું કે આરોપીઓએ દેશ છોડીને પાકિસ્તાન જતા રહેવું જોઈએ. સરકારે તેમને શોધીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ. આવા લોકોને ઓછી સજા કરવી તે પણ દેશ વિરોધી પ્રવૃત્તિ જ ગણાય તેવું કોર્ટ માને છે.આરોપીઓને 10 વર્ષની સજા, ઓફિશિયલ સિક્રેટ એક્ટ મુજબ 14 વર્ષની કેદ અને IT એક્ટ મુજબ સજા કરવામાં આવે છે. આ ઉપરાંત આરોપીઓને પાંચ-પાંચ હજારના દંડ પેટે કુલ 20 હજાર દંડ ફટકારવામાં આવ્યો છે. જો તે ન ભરે તો વધુ 06 માસની સાદી કેદની જોગવાઈ કરવામાં આવી છે.