ભરૂચ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઠેરઠેર મસ મોટા ખાડા ઉપજી આવતા વાહન ચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, શહેરના મુખ્ય માર્ગોથી લઈ અનેક એવા અંતરીયાળ વિસ્તારમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ શ્રવણ ચોકડીથી મનુબર ચોકડીને જોડતા માર્ગ ઉપર પણ અનેક ખાડા પડતા લોકોની હાલત કફોડી બની છે.
ભરૂચમાં ચોમાસાની ઋતુની હજુ તો મન મૂકી શરૂઆત થઈ છે તેવામાં ઝાડેશ્વર તવરા માર્ગ, ભરૂચ ફાટાતળાવ માર્ગ, દાંડિયા બજાર માર્ગ, કસક રેલવે ઑવરબ્રિજ માર્ગ, આલી ઢાલથી મહંમદપુરાને જોડતો માર્ગ સહિતના અનેક એવા વિસ્તારમાં ઊંડા ઊંડા ખાડા પડયા બાદ તેમાં પાણી ભરાઈ રહેતા વાહન ચાલકો માટે મુશ્કેલી સમાન સ્થિતિનું સર્જન થયું છે.
સામાન્ય વરસાદી માહોલ વચ્ચે જ આ પ્રકારે શહેરમાં ખાડાનું સામ્રાજ્ય ઉત્પન્ન થઈ જતા હવે લોકો પાલિકા સહિતના તંત્ર પાસે વહેલી તકે આ ખાડા પુરવામાં આવે તેવી ચાતક નજરે રાહ જોઈ બેઠા છે, ત્યારે તંત્ર વહેલું એક્શનમાં આવે અને લોકોને પડતી હાલાકીમાંથી તેઓને બહાર કાઢે તેવી માંગ ઉઠી છે.