અમદાવાદ શહેરમાં BRTS અને AMTS બસના અકસ્માતના સમાચાર વારંવાર સામે આવતા હોય છે. ત્યારે AMTS બસનો વધુ એક અકસ્માતનો બનાવ ખમાસા વિસ્તારમાં બન્યો છે. AMTS બસના ડ્રાઇવરે બીઆરટીએસ બસના ટ્રેકમાં રોંગસાઇડમાં બસ હાંકારી અને સેન્સર ગેટ સાથે અથડાવી હતી. જોકે, સદનસીબે ત્યાં કોઈ ન હોવાથી જાનહાનિ થઈ નહોતી. પરંતુ, ગેટ અને બસને મોટું નુકસાન થયું હતું.
શહેરના ખમાસા વિસ્તારમાં આજે બપોરે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (AMTS)ની રૂટ નંબર-56 ની બસના ડ્રાઇવરે BRTS ટ્રેકમાં આસ્ટોડિયાથી એલિસબ્રિજ તરફના રોંગ સાઇડમાં બસ ચલાવી હતી અને સેન્સર ગેટ સાથે અથડાવી હતી, જેના કારણે સેન્સર ગેટ આખો તૂટી ગયો હતો. આ અકસ્માતમાં AMTS બસને પણ મોટું નુકસાન થયું હતું. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થઈ નથી.
AMTS ના એક અધિકારીના જણાવ્યા મુજબ, આ અકસ્માતમાં AMTS બસનો ડાબી બાજુનો ખૂણાનો ભાગ સેન્સર ગેટ સાથે અથડાઈ જતા ગેટને મોટું નુકસાન થયું છે. સાથે જ ગેટની એંગલ બસના પતરાંને તોડી અંદર આવી ગયું હતું. આથી બસની ફ્લોરમાંથી એંગલ ન નીકળતા આખરે ખાનગી ઓપરેટર પાસે ક્રેન બોલાવી કામગીરી કરાઈ હતી, જેથી 3 કલાક સુધી BRTS ટ્રેક બંધ કરવો પડ્યો હતો.