મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કથી સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલ વધુ એક નર ચિત્તાનું આજે મોત થયું છે. ગત મંગળવારે એટલે કે 11 મી જુલાઈએ પણ નર ચિત્તા તેજસનું મોત થયું હતું. છેલ્લા 4 મહિનામાં કુનોમાં 3 બચ્ચા સહિત 8 ચિત્તાના મોત થયા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર નામિબિયાથી ચિત્તા લાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ કદાચ આ ચિત્તાઓને ભારતનું વાતાવરણ ફાવ્યું નથી.
ચિત્તાઓના સતત મૃત્યુનો સિલસિલો અટકી રહ્યો નથી. જ્યારે નેશનલ ટાઈગર ઓથોરિટીએ ચિત્તાઓને બચાવવા માટે 11 સભ્યોની ચિતા સ્ટીયરિંગ કમિટીની રચના કરી છે. સૌથી પહેલા 25 માર્ચે માદા ચિત્તા શાશાનું મોત થયું હતું, જોકે, 27 માર્ચે જવાલાઆ ચિતાએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. પરંતુ તેમાંથી અત્યાર સુધીમાં 3 ના મોત થઈ ચુક્યા છે. આ પછી ચિતા ઉદય અને દક્ષા ચિત્તા પણ મૃત્યુ પામ્યા છે.
વિંધ્યાચલ પહાડીઓની ઉત્તરી ધાર પર સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાન 750 ચોરસ કિમીના વિસ્તારને આવરી લે છે અને તેનું નામ કુનો નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. 8,000 કિલોમીટર દૂર તેમના વતન નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા KNP ના ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં છોડવામાં આવ્યા હતા. 1952 માં ભારતમાંથી લુપ્ત થઈ ગયેલા આ પ્રાણીને પુનઃસ્થાપિત કરવા પ્રોજેક્ટ ચિતા હેઠળ આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.