વડોદરાને ઈ-હબ તરીકે વિકસાવાશે અને વડોદરા તેમજ આસપાસના વિસ્તારોમાં 200 ઈ-બસ દોડાવવામાં આવશે. આ માટે બસોનું સંચાલન કરવા, પ્રોજેક્ટ મેન્ટેન કરવા અને જુદી જુદી નીતિઓ ઘડવાની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે સ્પેશિયલ પર્પઝ વિહિકલ એટલે કે એસપીવીને કંપની તરીકે રજીસ્ટર કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા એસપીવીનો વિરોધ કરવામાં આવ્યો છે.
કોંગ્રેસ કહે છે, કોર્પોરેશન ઇ-બસ થકી નાગરિકોની સુવિધા ખાતર સીટીબસ શરૂ કરશે તે સારી બાબત છે. પરંતુ આ શહેરી બસ માટે એસપીવી બનાવવાનો વિચાર છે, તે ખોટો છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારે શહેરના વિકાસના કામો માટે એક એસપીવી બનાવવાની ગાઇડલાઇન નક્કી કરેલ હતી, તે અંતર્ગત વડોદરામાં એસપીવી બનાવી હતી. જેમાં ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે માત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષને ડાયરેક્ટર બનાવેલ છે, અને બાકી બધા સરકારી અધિકારીઓ છે. આ એસપીવીમાં કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અને ચીફ ઓડીટરનો પણ સમાવેશ થયેલ નથી. કોર્પોરેશનના આર્થીક વ્યવહારો અને વહીવટોની ચકાસણી કરે છે, તે કોઇને એસપીવીમાં લેવામાં આવેલ નથી. ઇ-બસ માટે એસપીવીમાં મૂડી કોર્પોરેશન જ આપવાની છે, અને ત્યાર પછીના વ્યવહારો માટે પણ કોર્પોરેશનના મુખ્યફંડમાંથી મૂડી જવાની છે. સ્માર્ટ સીટી પ્રોજેક્ટના નિયમોમાં એસપીવી બનાવવાનો ઉલ્લેખ હતો. જ્યારે ઇ-બસ માટે કોર્પોરેશન સ્વેચ્છાએ એસપીવી બનાવી રહી છે. તમામ ખર્ચ કોર્પોરેશન ભોગવવાની છે તો પછી તેનો વહીવટ એક કંપની કેવી રીતે કરે ? તે સવાલ ઉઠાવી કોંગ્રેસે કહ્યું છે કે આ કરવાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અધિકાર છીનવાય છે. જી.પી.એમ.સી.એક્ટમાં મુખ્ય ચાર ઓથોરીટી છે. જેમાં ઓથોરીટીમાં ટ્રાન્સપોર્ટ કમીટી અને ટ્રાન્સપોર્ટ મેનેજરને ઓથોરીટી તરીકે એક્ટમાં બતાવેલ છે અને જ્યારે કોર્પોરેશન વાહન-વ્યવહાર સંસ્થા સ્થાપે તે પ્રસંગે વાહન-વ્યવહાર મેનેજરની નિમણૂંક કરવી પડે. એક્ટમાં આ વાહન વ્યવહારની સંસ્થા માટે અલગ બજેટ અને વાહનવ્યવહાર ફંડ બાબતે જોગવાઇ છે. આ જોગવાઇઓ એક્ટમાં હોવા છતા એસપીવી બનાવવા જઇ રહ્યા છે તે ગેરવાજબી અને ગેરબંધારણીય છે તેવી રજૂઆત કોંગ્રેસે સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષને લેખિતમાં કરી છે.