પોલીસ દ્વારા આગામી મહોરમ માસને ધ્યાનમાં રાખી સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવી જરૂરી સૂચનાઓ આપી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયાની અધ્યક્ષતામાં એસીપી જી ડિવિઝન જી.બી.બાંભણિયા તથા સીટી પોલીસ મથકના પીઆઇ આર.બી.ચૌહાણ તથા કે.કે.જાદવની ઉપસ્થિતિમાં આ બેઠક મળવા પામી હતી. જેમાં એફઓપી, તાજીયા કમિટી આગેવાન, આયોજક તેમજ શાંતિ સમિતિના સભ્યો સહીત 40 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને કોમી એખલાસનું વાતાવરણ જળવાઈ રહે તથા ખોટી અફવા ફેલાવવામાં ન આવે તેવા પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી. તેમજ તાજીયા ઠંડા કરવા માટે સ્થળ પરથી સમયસર રવાના કરવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. તો બીજી તરફ વાડી પોલીસ મથકના અતિ સંવેદનશીલ રોડ ઉપર પોલીસ દ્વારા સંયુક્ત રીતે ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. વિવિધ ટીમો બનાવી દૂધવાળા મહોલ્લો, રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, પાણીગેટ દરવાજા સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સંદિગ્ધ ગતિવિધિ અને આરોપીઓ પર વોચ રાખવામાં આવી રહી છે.