(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા-રાજપીપલા જિલ્લા વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ. નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કોઇપણ પ્લેટફોર્મ (બ્લુ વ્હેલ ગેમ / બ્લુ વ્હેલ ચેલેન્જ વગેરે) મારફતે ક્યુરેટરના / એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટરના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એવી ગેમ / કોમ્યુનિકેશનમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
તદ્ઉપરાંત જે પણ વ્યક્તિને નર્મદા-રાજપીપલા જિલ્લા વિસ્તારમાં કોઇપણ અન્ય વ્યક્તિ એવી ગતિવિધિમાં ભાગ લે છે તેવું ધ્યાને આવે તો નજદીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિતમાં જાણ કરવાની જાહેર વિનંતી કરવામાં આવી છે. બ્લુ વ્હેલ ગેમથી યુવાઓ અને બાળકો દુર રહે તે માટે સ્થાનિક સ્કુલોમાં વાલીઓ સાથે વહિવટીતંત્ર દ્વારા બેઠકો યોજવામાં આવે અને બાળકો તથા યુવાનો આ દુષણનો ભોગ ન બને તે માટેની ખાસ કાળજી રાખવાની રહેશે.ગુનાના તપાસની કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગું પડતું નથી. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.