વડોદરા શહેર SOG દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરનારા અને લે-વેચ કરતા તત્વો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન વડોદરા શહેર SOGએ બાતમીના આધારે કાર્યવાહી કરી છાણી વિસ્તારમાં આવેલા એક મકાનમાં દરોડો પાડીને રૂ.2.91 લાખની કિંમતના 58 ગ્રામથી વધુ હેરોઇન સાથે બે વ્યક્તિઓની અટકાયત કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે.
વડોદરા SOG ને બાતમી મળી હતી કે, છાણીમાં આવેલ ટીપી 13ની વસુંધરા સોસાયટીમાં મકાન નં.E-26 માં છેલ્લા કેટલાક દિવસથી નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા અમુક શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ વધી છે. આથી બાતમીના આધારે એસઓજીએ ફતેહગંજ પોલીસને સાથે રાખીને તે ઘરને કોર્ડન કર્યું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધરીને રૂ.2.91 લાખની કિંમતનું 58 ગ્રામથી વધુ હેરોઇન ઝડપી પાડ્યું હતું. આ સાથે પોલીસે બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી.
આ ઓપરેશનમાં એફએસએલ તથા અન્ય સંબંધિત એજન્સીઓને પણ સાથે રાખવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ પંજાબના 39 વર્ષીય સંદીપ ઉર્ફે સોનુ બલવિંદર સિંઘ રંધાવા અને 28 વર્ષીય જતિન્દર સિંઘ ઉર્ફે હેપ્પી મેહરસિંઘ મટ્ટુ તરીકે થઈ હતી. બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. આ કાર્યવાહીમાં 2 મોબાઇલ ફોન, રોકડ મળી કુલ રૂ. 3.46 લાખમો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફતેહગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.