ભરૂચ જિલ્લામાં અનેક પ્રકારની ઔદ્યોગિક વસાહતો આવેલી હોય જુદા જુદા પ્રકારના ઉદ્યોગો અને વ્યવસાયના કારણે ભરૂચમાં દિન પ્રતિદિન પ્રદૂષણ વધતું જતું હોય જે પ્રદૂષણને વધતું અટકાવવા માટે ભરૂચના કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા એ મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ તથા વડોદરાના કલેકટરને એક લેખિત આવેદન પાઠવ્યું છે.
આ લેખીત આવેદનમાં જણાવ્યા અનુસાર ભરૂચની ઔદ્યોગિક વસાહતોમાં દિન પ્રતિદિન પ્રદૂષણ વધતું જાય છે, આ બાબતના પગલાં ભરવા માટે વસાહતોમાં આવેલા એકમો સામે કાયદેસરના પગલાં ભરવા તેમજ એક્સપર્ટ કમિટીની રચના અંગે રજૂઆત કરવામાં આવી હતી જે અંગે કાર્યવાહી થઈ નથી. ત્યારે આજે ફરી વડોદરા સ્થિત ઉદ્યોગોના પ્રદુષિત પાણીના નિકાલ માટે બનાવેલ વીઇસીએલ ઇન્ફયુલેન્ટ કેનાલ ઓવરફ્લો થતાં પાણી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં નોંધણા વલીપોર ગામની સીમમાં ફરી વળતાં હજારો એકર જમીનમાં દુષિત પાણીથી ખેતીને નુકસાન થયું છે. આવા ગંભીર પ્રકારના ગુના કરનારા એકમોની સામે ફોજદારી રાહે કાર્યવાહી હાથ ધરવા તેમજ ખેતીમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને વળતર ચૂકવવા સર્વે કરવાની રાજ્યકક્ષાએ માંગણી કરેલ છે.