વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં આવેલ મુનશીના ખાંચામાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુબલીકેટ પર્સ અને બેલ્ટ સહિતનું વેચાણ કરતા બે વેપારીઓને પોલીસે ખાનગી કંપનીના સહયોગથી ઝડપી પાડી કુલ રૂ.84,200 નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની કોપીરાઇટ્સ ભંગ હેઠળ ધરપકડ કરી હતી.
હરિયાણા ખાતેની ખાનગી કંપની વિવિધ કંપનીના કોપીરાઇટ હકોના રક્ષણની કામગીરી કરે છે. દરમિયાન એલ્લેન સોલી, લુઈ ફિલાઇપ, વેન હ્યુસન કંપનીના ડુબલીકેટ પર્સ તથા બેલ્ટ અને બેલ્ટના બક્કલનું વેચાણ થતું હોય તેવી ચોક્કસ માહિતીના આધારે કંપનીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી મંગળ બજાર મુનશીના ખાચામાં આવેલ મુનસી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોરની ફેશન આર્ટ્સ નામની દુકાનમાં દરોડો પાડયો હતો. અને દુકાન સંચાલક રાકેશ રમેશભાઇ પંજાબી (રહે- ગુરુદેવ વાટીકા, સમા સાવલી રોડ)ની અટકાયત કરી હતી. અને દુકાનમાંથી કંપનીના ડુબલીકેટ પર્સ તથા બેલ્ટ મળી કુલ રૂ.55,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે આ દુકાનની ઉપરના માળે આવેલ ક્રિષ્ના સ્ટોરના સંચાલક જીતેન્દ્ર આસાનંદ મંજાની (રહે- વિદ્યાનગર સોસાયટી, ધોબી તળાવ, વારસિયા) ની પણ અટકાયત કરી તેની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ પર્સ સાથે કુલ રૂ. 28,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, કંપનીના કર્મચારીઓએ દરોડા અગાઉ આ દુકાનોમાંથી મટીરીયલ ખરીદી બિલ મેળવ્યું હતું.