નવસારી એસઓજી અને વાંસદા પોલીસે ધરમપુરી અને ઉનાઈ ગામના બે મકાનમાં દરોડો પાડીને લાયસન્સ વગર અને ગેરકાયદેસર રીતે રાખેલા એક્સપ્લોઝીવનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરી કુલ રૂ. 7,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં બે વોન્ટેડ જાહેર કરાયા છે.
નવસારી એસઓજી અને વાંસદા પોલીસને બાતમી મળી હતી કે, ધરમપુરીમાં રહેતા અશોકભાઇ મોહનભાઇ કુકણા પટેલે પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝીવ જિલેટિન સ્ટીક નંગ-12 (કિ. રૂ. 1800) તથા ઇલેક્ટ્રીક ડેટોનેટર નંગ 1 (કિ.રૂ. 20) મળી કુલ કિમત રૂ. 1820 નો જથ્થો બિનસલામત રીતે રાખ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરી અશોકભાઈની ધરપકડ કરી હતી અને તેને જથ્થો પૂરો પાડનાર જયેશભાઇ ગનમભાઇ કોટવાળિયાને વોન્ટેડ જાહેર કરી વાંસદા પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક કાર્યવાહીમાં પોલીસે બાતમીના આધારે ઉનાઈ ગામે રહેતા જમૈકાભાઇ ગનમભાઇ કોટવાળિયાના ઘરે દરોડો પાડ્યો હતો અને ગેરકાયદેસર રીતે રાખેલો એક્સપ્લોઝીવનો જથ્થો જેમાં એક્સપ્લોઝીવ જિલેટિન સ્ટીક નંગ-6 (કિ. રૂ. 900), ઇલેક્ટ્રીક ડેટોનેટર નંગ-04 (કિ. રૂ. 80) અને મોબાઇલ ફોન કિંમત રૂ. 5000 મળી કુલ રૂ. 5,980નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી હેઠળ પોલીસે જમૈકાભાઈની ધરપકડ કરી તેને જથ્થો પૂરો પાડનાર સૂર્યાને વોન્ટેડ જાહેર કરી વાંસદા પોલીસ સ્ટેશન ખાતે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.