અમદાવાદ શહેરના મીઠાખળી ગામમાં આજે વહેલી સવારે ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું, આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક બાળકી સહિત ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. તેમજ મકાનમાં દટાયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.
ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ત્યારે નાના બાળક સહિત ચાર જેટલા લોકોને સ્થાનિકોની મદદથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
માહિતી અનુસાર સવારે 07:03 કલાકે ફાયર કંટ્રોલ રૂમ ખાતે ત્રણ માળનું મકાન મીઠાખળી ગામ વિસ્તારમાં ધરાશાયી થવાના મેસેજ મળતા નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે બચાવ કોલ કરાયો હતો. ત્યારબાદ તરત જ ફાયર સ્ટેશન ખાતેથી ઈમરજન્સી ટેન્ડર વ્હીકલ સ્ટાફ સહિત ઘટના સ્થળે જવા રવાના થયું થયું હતું. ઘટના સ્થળે મકાનની અંદર એક માણસ દબાયેલા હોવાની માહિતી મળતા તાત્કાલિક તેની બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. માણસને બહાર નીકાળીને 108 ની મારફતે મેડિકલ સારવાર અર્થે હોસ્પિટલ સાથે મોકલી આપ્યો. અનુસાર મૃતકનું નામ 60 વર્ષીય વિનોદભાઈ ભીખાભાઈ દાતણીયા તરીકે થઈ હતી. જ્યારે ઘરમાંથી સુરક્ષિત બચાવાયેલા લોકોની ઓળખ ગૌરવભાઈ મુકેશભાઈ દાતણિયા, કિશનભાઈ મુકેશભાઈ દાતણીયા અને તનિશા કિશનભાઈ દાતણિયા તરીકે થઈ હતી. તનિશા માત્ર 2 વર્ષની બાળકી છે.
વહેલી સવારે જ આ મકાન ધરાશાયી થઈ હોવાની માહિતી મળતાં જ 2 ઈમરજન્સી રિસ્પોન્સ વ્હિકલ, 1 ઈમરજન્સી ટેન્ડર, 1 મોટું ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમાં ઘણાં અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા હતા.