ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર નેત્રંગ મામલતદારને પાઠવી આદિવાસી સમાજને તેમાંથી બાકાત રાખવાની રજુઆત કરવામાં આવી હતી.
ભારતીય ટ્રાઈબલ ટાઈગર સેના દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારતના કાયદા પંચ દ્વારા દેશમાં સમાન નાગરિક સંહિતાના સંબંધો પબ્લિક નોટિસ જાહેર કરી સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવાના સમર્થનમાં અને વિરોધમાં તા. ૧૪ જુલાઈ ૨૦૨૩ સુધીમાં અભિપ્રાય રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે. યુ.સી.સી. સમગ્ર દેશ માટે એક કાયદો પ્રદાન કરો જે તમામ ધાર્મિક સમુદાય ને અસર કરશે. ભારતીય બંધારણના ભાગ-૪ ના અનુચ્છેદ ૪૪ અંતર્ગત રાજ્યને તે લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ભારત દેશમાં વિવિધતામાં એકતા એ વિશેષતાઓમાંથી એક છે. ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે. અહીં અલગ અલગ સમુદાયો જેમકે ઇસાઈ, યહુદી, મુસ્લિમ, હિંદુ, જૈન, બૌદ્ધ, શીખ અને આદિવાસીઓ વગેરે વસે છે અને તમના અલગ અલગ વ્યક્તિગત કાયદાઓ છે. દેશના ૭૦૫ આદિવાસી સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસુચિત જનજાતિના રુપમાં સુચિબદ્ધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમુદાય લગ્ન, તલાક, ઉત્તરાધિકારિ, વારસાઇ, દત્તકની બાબતમાં રુઢિગત વિધીથી સંચાલિત થાય છે. આદિવાસી સમાજ જન્મથી મૃત્યુ સુધી ના રીત રિવાજ હિંદુ અને ભારત દેશની અન્ય જાતિઓ અને સમુદાયો કરતા અલગ છે. હિંદુ કાયદાઓ પણ આદિવાસીઓ પર લાગુ નથી થતા. કારણ કે એમના રૂઢિગત કાયદાઓ છે જે બંધારણ અંતર્ગત સંરક્ષિત છે.
સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે જેના કારણો આદિવાસી વસ્તી પર નિમ્નવિખિત અસરો થશે. દેશના દરેક રાજ્યોમાં આદિવાસીઓની જમીન સંબંધી કાયદા બન્યા છે જેમકે, વિલકિન્સન રુલ ૧૮૩૭, પેસા કાયદો ૧૯૯૬, પાંચમી અનુસુચિ, છઠ્ઠી અનુસુચિ, ૭૩ કક, આદિવાસીઓને જળ, જંગલ અને જમીન સુરક્ષિત રાખવા માટે CNT અને SPT એક્ટ હેઠળ વિશેષ અધિકારો વગેરે સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી સમાપ્ત થઈ જશે.
સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી આદિવાસીઓને બંધારણમાં જે સંરક્ષણ આપવામાં આવ્યુ છે તે સમાપ્ત થઈ જશે. આથી આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ કાયદાઓને સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી સીધી અસર થશે તેથી માંગણી છે કે આ સમાન નાગરિક સંહિતાનો કાયદો આદિવાસીઓ પર લાગુ કરવામાં નહી આવે અને આદિવાસીઓના બંધારણીય હક અધિકારોનું, આદિવાસીઓની રૂઢિગત પરંપરાઓનું અને આદિવાસીઓની જળ, જંગલ અને જમીનનું સંરક્ષણ કરવામાં આવે.