વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન પર નવા રેલવે ટ્રેકની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે સમયે રેલવે સ્ટેશન પર જુના બજાર તરફનો ફૂટ ઓવર બ્રિજ જે કામગીરીમાં અડચણરૂપ બનતો હોય રેલવે તંત્ર દ્વારા ફૂટ ઓવર બ્રિજ કામગીરીમાં અડચણરૂપ ન બને તે માટે દુર કરવામાં આવ્યો હતો. ફૂટ ઓવર બ્રિજ દૂર કરવામાં આવતા નગરના પુર્વ વિસ્તારો જેવા કે જુના બજાર, સહિત હાઇવે સુધીના વિસ્તારોમાં આવેલા રહેણાક વિસ્તારના રહીશો પગપાળા નવા બજાર તરફ કામકાજ અર્થે જતા હાલાકી ભોગવી રહ્યા હતા.
રહીશોની સમસ્યાને દુર કરવા માટે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવા રજુઆત કરાઇ હતી. સમસ્યાની રજૂઆતના સમાચારો મીડિયાના માધ્યમથી વહેતા થતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કરજણ ખાતે દોડી આવી સ્થળ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. ધારાસભ્યએ વડોદરા રેલવેના પી. આઈ, ડીવાય એસ પી સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
રેલવે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ સમસ્યાનું નિરાકરણ અમારા હાથમા નથી આ સમસ્યાનું નિરાકરણ વડોદરા ડી. આર. એમ. ના હાથમા છે તેમ જણાવતા કરજણના આગેવાનો પ્રવીણ સિંહ અટાલિયા, વીરેન્દ્ર સિંહ ચાવડા તેમજ કરજણના વેપારી મંડળ તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ વડોદરા ડી. આર. એમ. અધિકારી સાથે મિટિંગ કરી યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે એમ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા ઘણા સમયથી જુના બજાર સહિત હાઇવે સુધીના વિસ્તારોના રહીશોને પડી રહેલી હાલાકી રેલવે તંત્ર દ્વારા કેટલા સમયમાં દુર કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે.