(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
મોબાઈલ કનેકટીવીટી અને નર્મદા નદીમાં અમાસે કપડાં પધરાવવા પર પ્રતિબંધ મુકવા કરી માંગ.
નર્મદા જિલ્લાના એક જાગૃત નાગરિકે જિલ્લામાં 97 ગામોમાં નોનકનેકટીવીટી દૂર કરવા તેમજ અમાસે નર્મદા સ્નાન વેળાએ નદીમાં કપડાં પધરાવવા પર પ્રતિબંધ મુકવા માટે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણમાં અરજી કરી આ પ્રશ્નો ઉકેલવા માંગ કરી છે.
રાજપીપલાનાં જાગૃત યુવાન રાહુલ પટેલે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લાના બે વણઉકેલ્યા પ્રશ્નો બાબતે કરેલી ફરિયાદ મુજબ દુનિયા 4g અને 5g તરફ પ્રગતિ કરે છે.ત્યારે નર્મદા જિલ્લામાં 97 ગામોમાં નોનકનેક્ટિવિટીની સમસ્યા છે.આ ગામોમાં દુરસંચારની કોઈ જ વ્યવસ્થા નથી.BSNL લેન્ડલાઈન તો ઠીક અહીંયા એક પણ કંપનીના કવરેજ ઉપલબ્ધ નથી.જેથી આ વિસ્તારની પ્રજાને દુનિયા સાથે સંપર્ક કરવા માટે નજીકના તાલુકા સ્થળે અથવા રાજપીપલા સુધી આવવું પડે છે.તો મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં 108 સહિતની સેવાઓ મેળવવામાં ભારે તકલીફ પણ ઉભી થાય છે.નર્મદા જિલ્લામાં પ્રવાસનની વિપુલ તકો રહેલી છે.અહીંયા આવતા પ્રવાસીઓ પણ આ નોન કનેકટીવીટીની સમસ્યાથી ત્રસ્ત થઈને જિલ્લાની ખોટી છાપ લઈને જાય છે.જિલ્લામાં વિશ્વપ્રસિદ્ધ નર્મદા ડેમ અને પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે.ડેમ વિસ્તારમાં માત્ર BSNL નું જ કવરેજ ઉપલબ્ધ હોય પ્રવાસીઓમાં ભારે કચવાટ જોવા મળે છે.
તો બીજી બાજુ જિલ્લામાંથી પવિત્ર નર્મદા નદી પસાર થાય છે.પોઈચા( ગામડી) કિનારાની સામે પ્રસિદ્ધ ધાર્મિક સ્થાન કુબેર ભંડારી મહાદેવ મંદિર આવેલ છે.દર મહિને અમાસે અહીંયા મહારાષ્ટ્ર અને ગુજરાતભર માંથી હજારો શ્રદ્ધાળુઓ અહીંયા પધારે છે.કુબેર ભંડારી દર્શન પહેલા પોઈચા તટે નર્મદા સ્નાન કરે છે.તે વેળાએ સ્નાન બાદ પહેરેલા કપડાં નર્મદા નદીમાં છોડી જાય છે.જેના કારણે નર્મદા નદીમાં ભારે પ્રદુષણ ફેલાય છે.અને રાજપીપલા શહેર અને આજુબાજુના 40 જેટલા સેવાભાવીઓ હેલ્પ ગ્રુપ ઓફ રાજપીપલાનાં નેજા હેઠળ આ કપડાં નદી બહાર કાઢી પ્રદુષણ મુક્તી માટે સરકારની મદદ વિના કામ કરી રહ્યા છે.કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે કોઈને કપડાં નદીમાં ફેંકતા અટકાવી શકાતા નથી.
આ બંને પ્રશ્ને જિલ્લા કલેકટરને રજુઆત થયા બાદ જિલ્લા કલેકટરે તાત્કાલિક અસરથી આ બંને પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યવાહીની અરજદારને ખાતરી આપવામાં આવી છે.અને આ સબબે સંબંધિત વિભાગોને આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ સુનાવણીમાં વિગતવાર રિપોર્ટ સાથે હાજર રહેવાની જાણ કરી દેવાઈ છે