અમદાવાદમાં ચોમાસાની શરૂઆત સાથે ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ બે દિવસથી વિરામ લીધો છે. જોકે, ચોમાસાની શરૂઆત સાથે શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફાટી નીકળેલા રોગચાળાને અટકાવવા માટે વિવિધ જગ્યાએ મચ્છરોના બ્રીડિંગની ચેકિંગની કામગીરી શરૂ કરાઈ છે.
માહિતી મુજબ, મંગળવારે શહેરના આરોગ્ય વિભાગે પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચાલુ કન્સ્ટ્રકશન સાઈટ પર અચાનક ચેકિંગ હાથ ધરી મચ્છરોના બ્રીડિંગની તપાસ કરી હતી. આ સાથે સવારથી બપોર સુધીમાં 5 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટને સીલ પણ કરવામાં આવી હતી. એએમસીના આરોગ્ય વિભાગે નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ, એજ્યુકેશનલ સાઇટ પર ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું.
નવી બાંધકામ સાઈટ પર લિફ્ટ અને ભોંયરાના ભાગમાં પાણી ભરાઈ જતા મચ્છરોની ઉત્પત્તિ વધુ થતી હોય છે. આથી આવી બાંધકામ સાઈટો પર ચેકિંગ હાથ ધરાયું હતું અને સવારથી બપોર સુધીમાં 5 જેટલી સાઈટને સીલ કરવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, આજે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, નવરંગપુરા, પાલડી, વાસણા, નારણપુરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જે હેઠળ ચાંદખેડામાં 1, નવરંગપુરામાં 2, ગોતામાં 1 સાઈટને સીલ કરવામાં આવી છે.