સુરતના વેસુ વિસ્તારમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ત્રણ યુવક એક બાઇક પર સવાર થઈ અણુવ્રત દ્વાર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે ટ્રાફિક પોલીસથી બચવા માટે યુવકોએ બાઇક કોરિડોરમાં લેતા બીઆરટીએસ બસે ત્રણેય યુવકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક યુવકનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. આ બનાવમાં વેસુ પોલીસે બીઆરટીએસ બસના ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ઉમરવાડા ખાતે રહેતો 18 વર્ષીય ફરીદ યુનુસ શેખ કાપડની દુકાનમાં કામ કરીને પરિવારના ગુજરાનમાં મદદ કરતો હતો. તેના પિતા સુથારી કામ કરે છે. રવિવારે રજા હોવાથી ફરીદ તેના બે મિત્રો સાથે એક બાઇક પર સવાર થઈ ફરવા માટે નીકળ્યો હતો. દરમિયાન અણુવ્રત દ્વાર પાસે ટ્રાફિક પોલીસથી બચવા માટે તેમણે બાઇક બીઆરટીએસ કોરિડોરમાં લીધી હતી. જોકે, આ દરમિયાન તેઓ બીઆરટીએસ બસની એડફેટે આવ્યા હતા.
આ અકસ્માતમાં બાઇક પર પાછળ બેસેલા ફરીદને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે અન્ય બે મિત્રોને સામાન્ય ઇજા થઈ હતી. ઇજાગ્રસ્ત ફરીદને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ મામલે વેસુ પોલીસે હાલ બીઆરટીએસ બસના ડ્રાઇવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.