સુરતનાં નાનપુરા વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલી પીળી ચીકણી માટી વાહન ચાલકો માટે આફતરૂપ બની ગઈ છે. આ જગ્યાએ અનેક વાહનો સ્લીપ થતાં આ વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. પાલિકાએ સાધનોની મદદથી રસ્તા પરથી કીચડ દુર કરવાની કામગીરી શરૂ કરી છે. જોકે, હાલમાં મેટ્રોની કામગીરી અને રસ્તા પર કાદવના કારણે સુરતીઓની મુશ્કેલી વધી રહી છે.
સુરતના નાનપુરા નાવડી ઓવારા વિસ્તારમાં આજે પીક અવર્સમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ જગ્યાએ રસ્તા પર પીળી ચીકણી માટી પડી હતી. તેમાં વરસાદ શરૂ થતાં આ માટીનો ચીકણી કાદવ બની જતાં અનેક વાહન ચાલકોના વાહનો સ્લીપ થઈ ગયાં હતા. અનેક વાહનો સ્લીપ થતાં આ વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ થઈ ગઈ હતી.
આ અંગેની જાણ તંત્રને થતા જેસીબી અને અન્ય સાધનોની મદદથી કાદવ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. જેના કારણે વાહન ચાલકોને રાહત થઈ હતી અને ટ્રાફિક ધીમે ધીમે હળવો થયો હતો. આવી સમસ્યા સાથે સાથે સુરતમાં ચાલતા મેટ્રોની કામગીરીની આસપાસ બેરીકેટ કરવામાં આવ્યું છે તેની આસપાસના રોડ પરથી પસાર થવું વાહન ચાલકોને ભારે પડી રહ્યું છે. મેટ્રોની કામગીરીની આસપાસના રોડ પર અનેક ખાડા પડી જતાં આ રોડ ડિસ્કો રોડ બની ગયા છે. બેરિકેટિંગ આસપાસના રોડ ડિસ્કો બની જતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તેમાં પણ શહેરના અઠવાગેટથી રીંગરોડના વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ખાડા પડી ગયા છે અને આ રોડને સમતળ કરાવવાની કામગીરી પાલિકા તંત્ર યોગ્ય રીતે કરતી નથી હોવાથી વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે.