આણંદ પાસેના હાડગુડ ગામે વરસાદી માહોલ વચ્ચે મુખ્ય માર્ગ ઉપર ગટરના પાણી રેલાતા નર્કાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભાથીજી મંદિર સામે આવેલા માર્ગ ઉપર છેલ્લા ચાર દિવસથી ગટરના પાણી રેલાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સત્વરે તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.
હાડગુડ ગામની મધ્યમાં આવેલા અને લોકોની અવરજવરથી વ્યસ્ત રહેતા ભાથીજી મંદિર સામેના માર્ગ ઉપર ગટરનું ઢાંકણ છેલ્લા બે માસથી તુટી જવાના કારણે ગટરના દૂષિત પાણી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર રેલાઈ રહ્યાં છે. સાથે સાથે સાફ-સફાઈના અભાવે ગટર પણ ચોકઅપ થઈ ગઈ છે.
વરસાદી માહોલ વચ્ચે ગટરના દૂષિત પાણી ઉભરાતા વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને ભારે દુર્ગંધ પણ વ્યાપી છે. આ માર્ગેથી શાળાએ જતા બાળકો તથા રાહદારીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. આ અંગે સ્થાનિકો દ્વારા પંચાયત સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વિસ્તારમાં રોગચાળારૂપી આફત ત્રાટકે તે પૂર્વે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.