– ભરૂચ જિલ્લામાં મેઘમહેર – સેવાશ્રમ રોડના ત્રણ કરોડ પાણીમાં, ઠેરઠેર જળ બંબાકાળ
ભરૂચ જિલ્લામાં આજે સવારથી અવિરત મેઘમહેર થઈ રહી છે. બપોરના સમયે ભરૂચ શહેરમાં બે કલાકમાં જ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. તાજેતરમાં જ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો અને રસ્તાના પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.
ભરૂચ જિલ્લામાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી વરસેલો વરસાદ
તાલુકો વરસાદ(મીમી)
ભરૂચ 101
અંકલેશ્વર 118
હાંસોટ 59
નેત્રંગ 55
વાલિયા 77
ઝઘડિયા 28
ભરૂચ શહેરમાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ
ભરૂચ શહેરમાં આજે સવારથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ હતી. પરંતુ, બપોરે 12 વાગતા જ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
શહેરના સેવાશ્રમ રોડ, શીતલ સર્કલ, કસક, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા હતા. ભરૂચ પાલિકાએ તાજેતરમાં જ વરસાદી પાણી ન ભરાય તે માટે 3 કરોડના ખર્ચે પેવરબ્લોક વાળા રસ્તાનું નિર્માણ કર્યું હતું. પરંતુ, આ જ રસ્તા પર પાણી ભરાતા વેપારીઓની હાલત કફોડી બની હતી કારણે રસ્તાના પાણી દુકાનમાં ઘૂસ્યા હતા.