મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા ગોળીબારમાં ગોળી વાગવાથી બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળોને ભીડને વિખેરવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો. ભીડને વિખેરવા માટે પોલીસે ગઈકાલે સાંજે ઇમ્ફાલમાં ટીયર ગેસના શેલ છોડ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે.
કાંગપોકપી જિલ્લામાં ગોળીબારમાં માર્યા ગયેલા એક વ્યક્તિના મૃતદેહને ઇમ્ફાલના એક ચોકમાં મૂકીને પરંપરાગત શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે વિરોધીઓ ભેગા થયા અને ટોળાએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી શબપેટી સાથે સરઘસ કાઢવાની ધમકી આપી હતી. આ દરમિયાન ભાજપાના કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મણિપુરના કાંગપોકપી જિલ્લાના હરોથેલ ગામમાં ગઈકાલે સવારે સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે શંકાસ્પદ તોફાનીઓ માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાછળથી, સમુદાયના સભ્યો કે જેમાં બંને તોફાનીઓ હતા, તેઓએ તેમના મૃતદેહો સાથે ઇમ્ફાલમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને સરઘસ કાઢવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમને અટકાવ્યા ત્યારે સરઘસ હિંસક બની ગયું હતું. જે બાદ પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો અને લાંબી જહેમત બાદ સ્થિતિ કાબુમાં આવી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હિંસાથી ભડકેલા મણિપુરના બે દિવસના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ હિંસાગ્રસ્ત મણિપુરના ચુરાચંદપુરમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી અને લોકોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને એરપોર્ટ પાસે રોકી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હેલિકોપ્ટર દ્વારા રાહત શિબિરો સુધી પહોંચવું પડ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, “મણિપુરમાં શાંતિનું વાતાવરણ જ અમારી એકમાત્ર પ્રાથમિકતા હોવી જોઈએ.”
રાહુલ ગાંધીના કાફલાને રોકવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપાના નેતૃત્વવાળી સરકાર કોંગ્રેસના નેતાની મુલાકાતને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપે દાવો કર્યો હતો કે ગાંધીને હેલિકોપ્ટરથી જવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે તેમની મુલાકાતનો અનેક વર્ગો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા પર અડગ હતા. મે મહિનાની શરૂઆતમાં મણિપુરમાં મેઇતી અને કુકી સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી જાતીય હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં અનુસૂચિત જનજાતિના દરજ્જાની મેઇતી સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા કૂચ’નું આયોજન કરવામાં આવ્યું તે પછી અથડામણો શરૂ થઈ હતી.