હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આજે એટલે કે ગુરુવારે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદ પણ પડી રહ્યો છે. વરસાદી વાતાવરણની સીધી અસર હવાઈ માર્ગ પર પડી છે. અમદાવાદમાં આજે વરસાદ પડતા શહેર આવતી 3 ફલાઈટ્સ ડાયવર્ટ કરાઈ છે અને બે ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. જ્યારે ઘણી ફલાઈટ મોડી ચાલી રહી હોવાની માહિતી છે.
જણાવી દઈએ કે, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વરસાદી માહોલમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ ને ડાઇવર્ટ કરાઈ છે, જ્યારે બે ફ્લાઇટ્સને કેન્સલ કરવામાં આવી છે.
ઉપરાંત, ખરાબ હવામાનના કારણે કેટલીક ફ્લાઇટ તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. મીડિયા અહેવાલ મુજબ, ડાયવર્ટ થયેલ તમામ ફલાઈટ્સ ઈન્ડિગો એરલાઈન્સની છે. મુંબઈથી અમદાવાદ, દહેરાદૂનથી અમદાવાદ અને જયપુરથી અમદાવાદ 3 ફલાઈટ્સ ડાયવર્ટ કરાઈ છે. જ્યારે કેન્સલ થયેલી ફ્લાઇટ્સમાં પૂણે-અમદાવાદ અને લખનઉ-અમદાવાદનો સમાવેશ થાય છે. સંબંધિત વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, હજુ પણ 2-3 દિવસ ભારે પવન સાથે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના હોવાથી હજુ પણ ફલાઈટ ડાયવર્ટ કે મોડી થઈ શકે છે.