નડિયાદ શહેરમાં રહેતા અને છાપરા ગામે એલ એન્ડ ટીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સિવિલ એન્જિનિયરને ગઠીયાએ ઇન્વેસ્ટમેન્ટના બહાને રૂપિયા ૩૦.૪૭ લાખ પડાવી છેતરપિંડી કરી છે. આ બનાવ સંદર્ભે સિવિલ એન્જિનિયરએ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ શહેરના વિકેવી રોડ પર આવેલ કર્મવીર સામ્રાજ્ય ફ્લેટ માં રહેતા સુરેશકુમાર મોહનલાલ તવ્વા જે છાપરા ગામ ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિવિલ એન્જિનિયરની પોસ્ટ પર ફરજ બજાવે છે. ૧૯મી જુનના રોજ તેમના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, હું પ્રિયંકા હ્યુમન રીસોર્સ ડીપાર્ટમેન્ટ ટારગેટજી પ્રા.લી.માથી વાત કરુ છુ. અને તેમો એક ટેલીગ્રામ એકાઉન્ટ બનાવવા જણાવાયું હતું. જેથી સુરેશભાઈએ પોતાનું ટેલીગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારબાદ કંપનીને ટેલીગ્રામ મારફતે જાણ કરી હતી. બીજા દિવસે ગ્રુપમાં મેસેજ આવેલો જેમાં રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટે પ્લાન ચાર્ટ હતો. જેમાં ચાર પ્રકારના ટાસ્ક હતા. જેમાંથી એક ટાસ્કના રૂપિયા ૩૦ હજારનો પ્લાન લીધો હતો. જે બાદ ટેલીગ્રામ મારફતે એક લીંક મોકલી એક એપ્લીકેશન ડાઉનલોડ થઇ હતી. આમ મુજબ જુદા જુદા સમયે સુરેશભાઈએ ટાસ્કના પ્લાન મુજબ નાણાં રોક્યા હતા. લાલચ જાગતાં વધુ મોટી રકમો રોકી હતી. ટુકડેટુકડે કરીને કુલ રૂપિયા 24 લાખ ૪૪ હજાર ૯૬૦ ટ્રાન્સફર કરી રોક્યા હતા અને તે નાણાંને પરત મેળવવા ટેક્સની ચૂકવણી પેટે રૂપિયા ૬ લાખ ૨ હજાર ૯૭૬ પડાવી લેવાયા હતા. આરીતે સુરેશભાઈના કુલ રૂપિયા ૩૦ લાખ ૪૭ હજાર ૯૩૬ ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટના બહાને જતાં રહેતા પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાનો અહેસાસ થતાં સમગ્ર મામલે તે સમયે સાયબર હેલ્પ લાઇન નંબર પર અને આજે નડિયાદ ટાઉન પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે.