જેમાં યુવાને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ઓનલાઈન લોન લીધી આ લોન ભરપાઈ પણ કરી દીધી તેમ છતાં અજાણ્યાં શખ્સે કંપનીના નામે મેસેજ કરી લોનના રૂપિયા ભરવા દબાણ કર્યું હતું. અજાણ્યાં શખ્સે યુવાનના મોર્ફ કરેલો બિભત્સ ફોટો મોકલ્યા અને વાયરલ કરવાની ધમકીઓ આપતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.
ખેડામાં રહેતાં આદિલ યાસીનભાઈ વ્હોરા થોડા મહિનાઓ અગાઉ રૂપિયાની જરૂર પડતા તેણે મોબાઈલમાં કેસગુરૂ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેમાં જરૂરી ડોક્યુમેન્ટ માંગતા દસ્તાવેજો અપલોડ કરીને પાંચ હજારની પર્સનલ લોન માટે એપ્લાય કર્યું હતું. જેથી થોડીક જ મિનીટોમાં લોન એપ્રુવ થઈ ગઈ હતી. ત્યારબાદ જુદા જુદા ચાર્જ પેટે કાપી ૪ હજાર ૫૦૦ રૂપિયા આદિલના બેંક ખાતામાં જમા થયાં હતાં. લોનની રકમ એક સપ્તાહમાં પરત જમા કરાવવાની હતી. જે મુજબ આદિલે લીધેલ લોનના રૂપિયા પાચ હજાર સાત દિવસમાં પરત જમા કરાવી દીધાં હતાં. સપ્ટેમ્બર માસમાં અજાણ્યાં શખ્સે કેસગુરૂ એપ્લિકેશનના નામે આદિલને મેસેજો કર્યાં હતાં અને તમે લીધેલ લોનના રૂપિયા હું મોકલાવું તે લિંકમાં ટ્રાન્સફર કરો તેવું કહ્યું હતું. પરંતુ આદિલે લોન પહેલેથી જ ભરી દીધી હોવાથી તેણે આ રકમ ભરવાની ના પાડી દીધી. જેથી શખ્સે જો તું રૂપિયા જમા નહીં કરૂ તો તારા બિભત્સ ફોટા વાઈરલ કરીશ તેવી ધમકીઓ આપી હતી ત્યારબાદ અજાણ્યાં શખ્સે આદિલ અને અન્ય સ્ત્રીનો અર્ધનગ્ન હાલતમાં મોર્ફ કરેલી તસ્વીર મોકલી હતી. તસ્વીરને વાયરલ કરવાની ધમકી આપતાં આમામલે આદીલ વ્હોરાએ અજાણ્યા શખ્સ સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.