સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીના કારણે મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગો ફેલાવવાની શક્યતા વધી જાય છે. પરંતુ આરોગ્ય વિભાગે આગોતરું આયોજન હાથ ધરીને રોગચાળો ન ફેલાય તે માટેની તકેદારી લીધી છે.
જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જૂન માસમાં તા.૧૯ થી ૨૮ દરમિયાન કુલ ૭૦૦ ટીમો બનાવી હાઉસ ટુ હાઉસ સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૧૪,૭૮,૩૬૨ વસ્તીનો સર્વે કરવામાં આવ્યો હતો. ૮,૩૭૨ જેટલા લોહીના નમુના લઇ ૯,૮૦૪ જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં દરેક વાહક જન્ય રોગના દર્દીને જિલ્લા મેલેરિયા ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી છે. તથા પોરાનાશક કામગીરીનું સુપરવિઝન પણ કરવામાં આવે છે. જૂન માસ મેલેરિયા વિરોધી માસની ઉજવણી દરમિયાન જિલ્લાના તમામ ગામોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તમામ શાળાઓમાં પોરા નિદર્શન તથા પોરાભક્ષક માછલીનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા તમામ ગામોમાં દરેક પ્રકારના તાવના કેસોનું સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા દરેક શંકાસ્પદ કેસોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન વેક્ટર કંટ્રોલ ટીમો રોકી સ્થાયી પાણીના સ્થળોમાં પોરાનાશક માછલી મૂકવામાં આવે છે. જિલ્લામાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન કુલ ૨,૪૦,૨૦૦ જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. જેનું દર મહિનાના ત્રીજા અઠવાડિયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા યુઝરરેટ કાઢવામાં આવે છે. અને જિલ્લાની ટીમ દ્વારા સતત મોનિટરિંગ પણ કરવામાં આવે છે