નર્મદા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટી (DLMRC) દ્વારા થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ સમગ્ર કામગીરીનું મુલ્યાંકન કર્યા બાદ જિલ્લામાં થઈ રહેલી કામગીરીને બિરદાવી આ કામગીરીને વધુ સારા પરિણામો સાથે જાળવી રાખવા અને આઈસીડીએસ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળીને કામગીરી કરે તે દિશામાં રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે સાથે બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે થઈ રહેલા પ્રયાસો, આધાર સિડીંગની કામગીરી, ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે આંગણવાડી-આશા બહેનોની યોગ્ય તાલીમ અને સમયાંતર સમીક્ષા, THR ના લાભાર્થીઓને આપવામાં આવતા ફૂડની ઉપયોગિતા અંગે લાભાર્થી સાથે જરૂરી સંવાદ, નવા જન્મતા બાળકોનું યોગ્ય ટ્રેકિંગ થાય, શાળાએ ન જતી હોય તેવી કિશોરીઓનું લિસ્ટીંગ થાય અને સગર્ભા-ધાત્રી માતાઓની પુરતી કાળજી લેવા જેવી બાબતો ઉપર ખાસ ભાર મૂક્યો હતો.
બેઠક દરમિયાન આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ના પટેલે આઈસીડીએસ વિભાગ દ્વારા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોમાં કરવામાં આવેલી કામગીરી અને સમગ્ર કાર્યક્રમની પ્રગતિ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી પુરી પાડી હતી. જેમાં લાભાર્થીઓનું પૂરક પોષણનું કવરેજ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણનો લાભ લીધેલા લાભાર્થીની ઘટકવાર સમીક્ષા, પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં જિલ્લાના તમામ ઘટકો દ્વારા થઈ રહેલી કામગીરી, પોષણ અભિયાન અંતર્ગત પૂરક પોષણ ખાધ્ય સામગ્રીના સ્ટોકની વિતરણ વ્યવસ્થા, એક મહિનામાં ઓછામાં ઓછા ૨૧ દિવસ નોંધાયેલ લાભાર્થીને THR ની ફાળવણી, ધાત્રી માતા-બાળકો અને કિશોરીઓના પોષણ સબંધીત બાબતો, બાળકોના પોષણ સ્તરની સ્થિતિ, જિલ્લામાં નોંધાયેલા અતિ ગંભીર કુપોષિત બાળકોને CMTC અને NRC ખાતે રીફર કરવાના થતા બાળકોની ઘરે સાર સંભાળ માટે આરોગ્ય વિભાગ અને આઈસીડીએસ વિભાગ દ્વારા થતી ફોલોઅપ સહિતની કાર્યપદ્ધતિ, સગર્ભા અને ધાત્રી માતાના પોષણ સ્તર સંબંધિત સૂચકાંકમાં હાંસલ કરેલી સિદ્ધીઓ, એસ.એ.જી. પૂર્ણા યોજનાનું અમલીકરણ, સગર્ભાઓ અને ધાત્રી માતાનું ફરજિયાત હિમોગ્લોબીનના સ્તરની તપાસ અને આઇ.એફ.એ.નું ડીસ્ટ્રીબ્યુશન અને કમ્પ્લાયન્સ અને તેના થકી મળેલા પરિણામો – હિમોગ્લોબીનના સ્તરમાં સુધારો થયેલી સગર્ભા અને ધાત્રી માતાઓ અંગેની વિગતો સાથે બિન-સંસ્થાકીય સુવાવડની વિગતવાર માહીતી અને સુધારાત્મક પગલાંઓ ઉપર વિસ્તૃતમાં પ્રકાશ પાડ્યો હતો. સાથે પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.એચ.ઓ., બ્લોક હેલ્થ ઓફિસર, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકા તથા અન્ય આરોગ્ય અધિકારીશ્રી અને કર્મચારીઓ સાથેની સંયુક્ત મુલાકાત થકી થઈ રહેલી કામગીરી અંગે પણ માહિતી આપી હતી.