ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ-અટેકનું પ્રમાણ વધ્યું છે, જેનો સિલસિલો યથાવત રહ્યો છે. નવસારીની એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીને હ્રદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો. હ્રદયરોગના હુમલાને કારણે મૃત્યુ થતાં વિદ્યાર્થિનીનાં પરિવારજનો અને શાળામાં શોકનો માહોલ છવાયો
નવસારીના છાપરા રોડ ચાર રસ્તા ખાતે પરતાપોર ગામ જવાના રસ્તે આવેલી સમગ્ર દક્ષિણ ગુજરાતની જાણીતી એબી સ્કૂલની તેજસ્વીની વિદ્યાર્થીની અને નીટ માટે તૈયારી કરતી તથા ડોક્ટર બનવા ઇચ્છતી તનિષા ઉદય ગાંધી આજે સવારે શાળામાં રિસેસ દરમિયાન ત્રીજા માળેથી પેસેજ પાસેથી ચોથા માળનું પહેલું પગથિયું ચડવા જતા એને બેચેની લાગતા સમતુલા ગુમાવતી હતી.
આ તબક્કે તેમની સહેલી એ તનિષાને પકડી રાખી હતી પરંતુ પહેલું પગથિયું ચડે તે દરમિયાન જ સવારે ૧૦:૧૫ મિનિટે પહેલા પગથીયા પર ઢળી પડી હતી. આમ અચાનક જ તેજસ્વીની છાત્રા તનિષા ઢળી પડતા સૌ શિક્ષકો વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા બેભાન જેવી થઈ ગયેલી તનિષાને તાત્કાલિક સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઈ જતા પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક એટેક અને તેનું આ હૃદય રોગના તીવ્ર હુમલામાં કિશોર અવસ્થામાં જ માત્ર ૧૭ વર્ષની ઉંમરે મૃત્યુ થયાનું તબીબો એ જાહેર કર્યું હતું.
અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની તનિષા ઉદય ગાંધીના પિતા ઉદય ગાંધી નવસારીની જાણીતી શેઠ આર જે જે હાઈસ્કૂલના ફિઝિક્સ વિષયના નિષ્ણાત શિક્ષક છે. મૃત્યુ પામનાર તનિષાની માતાનું પણ કોરોના દરમિયાન કમકમાટી ભર્યું મોત થયું હતું. ત્યારબાદ પરિવારમાં માત્ર પિતા-પુત્રી હતાં. તનિષાના પિતા શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ઘટનાની જાણ થતાં પિતા પર વજ્રઘાત થયો છે.
નાનીવયે હૃદય રોગનો હુમલો થાય જ નહીં એ ઘટના હવે જુના જમાનાની થઈ ગઈ છે. ગુજરાત અને દેશમાં ઠેર ઠેર નાની વયના વિદ્યાર્થીઓમાં પણ હૃદય રોગના હુમલાઓ અને કમકમાટી ભર્યા મોતના બનાવો જાણવામાં આવી રહ્યા છે.