ભરૂચ – અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રિજ અવરજ્વર કરતા વાહનો માટે અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે બાદ ખુદ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ સ્થળ નિરીક્ષણ કરી માર્ગ પરથી પસાર થતા વાહનો માટે સ્પીડ નિયંત્રણ અંગેના સૂચનો જાહેર કર્યા હતા, જેના ગણતરીના કલાકોમાં જ વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી.
આજરોજ સવારે નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર છેડે ઇકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની અડફેટે બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, અકસ્માતના પગલે એક સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જોકે સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકને રાબેતા મુજબ કરાવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ માસ દરમ્યાનમાં જ અનેક અકસ્માત ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની આસપાસ સર્જાઈ ચુક્યા છે, જેમાં કેટલાય લોકો ઈજાગ્રસ્ત તો કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે, તેવામાં પૂરપાટ ઝડપે દોડતા વાહનો ઉપર અંકુશ લાવવા તંત્ર એ પણ મંથન કરવું જરૂરી જણાઈ રહ્યું છે.