નડિયાદ તાલુકાના અરેરા ગામે ડુંગરીયા વિસ્તારમાં રહેતા દિગ્વિજય પ્રફુલચંદ્ર પંડ્યા પોતાની પત્ની અને બે દિકરીઓ સાથે રહે છે. તેમની ગામની સીમમાં આવેલ ખેતરમાં તાજેતરમાં નવુ મકાન બનાવેલ છે ત્યાં રહેવા ગયા હતા. ગત ૨૪ મી જુનના રોજ દિગ્વિજયભાઈ પોતાના પરિવાર સાથે સામાજીક પ્રસંગ માટે મકાન બંધ કરી વડોદરા ગયા હતા. વડોદરાથી તેઓ એજ દિવસની સાંજે આવી ગયા હતા પરંતુ દિગ્વિજયભાઈ સહિત પરિવારજનો તેમની સાસરી નડિયાદ ખાતે રોકાયા હતા. ત્યારબાદ બીજા દિવસે રવિવારે સવારે પોતાના ઘરે આવતાં ઘરનો આગળનો દરવાજાના લોક તૂટેલી હાલતમાં જોઈ ચોંકી ગયા અને ઘરમાં તપાસ કરતા ઘરનો સરસામાન વેરવિખેર પડ્યો હતો.
ઘરમાં તપાસ કરતાં રોકડ રૂપિયા ૭૫ હજાર અને અન્ય સોનાના દાગીના મળી કુલ રૂપિયા ૧ લાખ ૬૫ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત નવા મકાનમાં લાઈટ ફીટીંગ કરાવેલ હોય તે તમામ સ્વિચ બોર્ડ લાઈટના ગોળા પણ તસ્કરો કાઢી ગયા હતા. અને દિગ્વિજયભાઈને જાણવા મળ્યું હતું કે, અહીંયા નજીકમાં આવેલ ચિતરંજનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ અને પુનમભાઈ મૂળજીભાઈ પટેલના ખેતરમાં બનાવેલ ગોડાઉનના પણ દરવાજાના તાળા તૂટ્યા છે. જોકે કોઈ સરસામાન ચોરી થયો નથી. આ સંદર્ભે દિગ્વિજયભાઈ પંડ્યાએ નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.