અંકલેશ્વર વિસ્તારમાં વર્ષા-ઋતુની માંડ શરૂઆત થઇ છે ત્યાં આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે. તારીખ ૦૫/૦૬/૨૩ ના રોજ વિશ્વ પર્યાવરણના દિવસે પણ આ અમરાવતી ખાડીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું. જેની ફરિયાદ જેતે સમયે સરકારી વિભાગો અને પોલીસ વિભાગમાં પણ થઇ હતી. હજી તેની તપાસ પૂર્ણ થઇ નથી અને ટુક જ સમયમાં બનેલ બીજી ઘટનાથી પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ આજરોજ વહેલી સવારે આ દુઃખદ ઘટનાની અમોને જાણ થતા અમોએ સ્થળ પર આવી જોયું તો અગાઉ બનેલ ઘટનાથી પણ વધુ માછલીઓના મૃત્યુ થયા હોવાનું જણાતું હતું. અમોએ સ્થળ પરથી જીપીસીબી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પદાધિકારીઓને આ બાબતે જાણકારી આપી હતી વહેલી તકે સ્થળ મુલાકાત કરવાનું જણાવ્યું હતું. વારંવાર બનતી ઘટનાઓથી જળચર અને પર્યાવરણને ગંભીર નુકશાન થાય તે બંધ થવું જોઈએ અને આ કૃત્યોના દોષિતોને દંડિત કરવાની માંગ સાથે અમો પોલીસ વિભાગમાં ફરિયાદ કરી રહ્યા છીએ. અમોએ વિશ્વ પર્યાવરણ દિવસે બનેલ ઘટનાની તપાસના પરિણામ બાબતમાં જાણકારી માંગતા જીપીસીબી ના અધિકારી વિજયભાઈ એ જણાવ્યું હતું કે તપાસ પૂર્ણ થયેલ નથી. અમો સેમ્પલ લઇ બન્ને ઘટનાની યોગ્ય તપાસ કરીશું.
અંકલેશ્વરની અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓનાં મોત.
Advertisement