ભરૂચ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે, જિલ્લામાં ભરૂચ, વાગરા, પાનોલી, અંકલેશ્વર, ઝઘડિયા, જેવા વિસ્તારોમાં હજારો ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ અવારનવાર કેટલાક ઉધોગો દ્વારા પર્યાવરણ માટે ખતરારૂપી ઘટનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેને પગલે હવા, પાણી પણ પ્રદુષિત બનતા હોય છે, જે બાદ તેની સીધી આડ અસર ઉત્પન્ન થાય છે અને ચામડીના રોગ, હ્રદય રોગ, સહિતની અનેક માનવ બીમારીઓનું સર્જન થતું હોય છે, તો પશુઓ અને જીવચર પ્રાણીઓના મોત નીપજતા હોવાનું પણ સામે આવતું હોય છે, આજ પ્રકારની તમામ સમસ્યાઓનો સામનો ખાસ અંકલેશ્વર વાસીઓ કરી રહ્યા છે, જેને પગલે હવે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાનમાં આવી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજેરોજ અંકલેશ્વર જીઆઈડીસીની વિભાગીય કચેરી ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ઔધોગિક એકમો દ્વારા હવા, પાણીને પ્રદુષિત કરવા અને ઔધોગિક અકસ્માતો નિવારવા માટે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પગલાંના લેવાતા ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં પર્યાવરણ સામે ખતરા સમાન જવાબદાર ઉધોગો ઉપર કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા, યુવા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ, શરીફ કાનુગા સહિતના આગેવાનો અને કાર્યકરો પ્રતિક ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા, જોકે ધરણા અંગેની પરવાનગી ન હોય પોલીસે ધરણા કરવા આવેલ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી, જે દરમ્યાન કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું.