રાજપીપળાના વિજય ચોક ખાતે આવેલ સર્કલની અંદર મુકાયેલ હાઈ માસ્ટ ટાવર ઉપર ફરકતા રાષ્ટ્રધ્વજને ફરી એકવાર ઉતારી લેવાની નગરપાલિકાને ફરજ પડી છે. નગરપાલિકાએ રાષ્ટ્રધ્વજને ઉતારી લેવાની ફરજ તો નિભાવી પણ નવા રાષ્ટ્રધ્વજને ફરીથી ચડાવવાની ફરજ નિભાવવામા નગરપાલિકા તંત્ર ચૂક્યું છે એ ખેદજનક વાત કહેવાય. જે લોક ચર્ચાનો વિષય બન્યો છે.
વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલાં ફરકતા રાષ્ટ્ર્રધ્વજનો એક ભાગ ફાટી ગયો હતો. અને ફાટેલી હાલતમાં રાષ્ટ્ર્રધ્વજ ફરકી રહ્યો હતો. જેની નોંધ જનતાએ અને એક જાગૃત નાગરિકે લીધી હતી અને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તંત્રને જાણ થતાં ત્રણ દિવસ પછી ફાટેલો રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો, પરંતુ એના બદલામા બીજો નવો રાષ્ટ્રધ્વજ આજદિન સુધી ચડાવવામા આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ફાટેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ રાષ્ટ્ર્રધ્વજનું અપમાન છે અને એકવાર ધ્વજ ફરકાવ્યા બાદ ઉતારી લઈ ધ્વજદંડને ખાલી રાખવો એ પણ અપમાનજનક જ કહેવાય, પરંતુ સ્થાનિક નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારી કહો કે નિષ્ક્રિય કામગીરી કહો નવો રાષ્ટ્ર્રધ્વજ આજદિન સુધી ફરકાવ્યો નથી અને રાષ્ટ્ર્રધ્વજ ધ્વજ દંડ વગર ખાલી ભાસી રહ્યો છે.!
રાજપીપલાના કાછીયાવાડના રહેવાસી જાગૃત નાગરિક કુલદીપ કાછીયાપટેલ દ્વારા આ મુદ્દે ગત વર્ષે પણ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ લેખિત રજુઆત કરાઈ હતી અને આ વર્ષે પણ ફરી ધ્વજનું અપમાન થતા મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ કરાઈ છે, પણ માત્ર ઓનલાઈન પ્રત્યુત્તર સિવાય ખાસ કોઈ કાર્યવાહી થઈ નથી એનું જનતાને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે.
રાજપીપલાના કાછીયાવાડના રહેવાસી જાગૃત નાગરિક કુલદીપ કાછીયા પટેલ અરજદારે તાજેતરમાં ફરી એક વાર મુખ્યમંત્રી કાર્યાલયમાં લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે રાજપીપળા શહેર ખાતે આવેલા વિજયચોક સર્કલ પાસે લગભગ દોઢ વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. પરંતુ ધ્વજ હલકી ગુણવત્તાવાળો હોવાથી વારંવાર ફાટી જાય છે અને મહિનાઓ સુધી તેને ફરકાવવામાં આવતો નથી. આ બાબતે નર્મદા જિલ્લાના કલેકટર કચેરીએ અને નગરપાલિકામાં યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓ આ બાબતે કોઈ નિર્ણય લેતા નથી. રાષ્ટ્રધ્વજ ફાટી ગયા બાદ ફક્ત ધ્વજ દંડ હોય અને ઉપર ધ્વજ ન હોય એ રાષ્ટ્રની અપમાન સમાન બાબત ગણાય છે. આ બાબતે અગાઉ પણ સી.એમ કાર્યાલયમાં રૂબરૂ અરજી કરેલ હતી. આ બાબતે યોગ્ય નિર્ણય લેવા લેખિત રજુઆત કરી છે. જેની મુખ્યમંત્રી કાર્યાલયે ગંભીર નોંધ લીધી છે.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જિલ્લા કલેકટરને આદેશ પણ કરવામાં આવ્યો છે કે અરજદારની રજૂઆત પરત્વે નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી હાથ ધરી, કરાયેલ કાર્યવાહીની ઓનલાઇન ડેટા એન્ટ્રી કરી, જરૂરી જવાબ ઓનલાઇન અપલોડ કરવા જણાવ્યું છે.છતાં હજી સુધી ધ્વજ કેમ નથી ચડાવતો એનું આશ્ચર્ય છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછતાં ચીફ ઓફિસર આ હકીકતથી અજાણ હોવાનું જણાવે છે!વધુમાં જણાવે છે. ચોમાસામાં બધી નગરપાલિકા ઉતારી લે છે તેમ ઉતારી લેવામાં આવે છે. જોકે આ રાષ્ટ્ર્રધ્વજ વરસાદ પહેલાં ફાટી ગયો હતો અને વરસાદ પહેલાં પણ ચઢાવવામાં આવ્યો નથી. મુખ્યમંત્રી કાર્યલયે જિલ્લા કલેકટરને ઘટતી કાર્યવાહી કરવા લેખિત જાણ કરી છે પણ આ હકીકતથી ચીફ ઓફિસર અજાણ હોવાનું જણાવતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે.