વૈશાખ મહિનામાં બીડી ઉદ્યોગમા વપરાતા ટીમરુપાનની સીઝન શરૂ થઇ જાય છે. નર્મદામા ટીમરૂપાનના સૌથી વધુ ઝાડો આવેલા છે. ટીમરું પાનનું પ્રત્યેક પાન પૈસા કમાવી આપતું હોય છે. આદિવાસીઓ માટે ટીમરુનાં પાન પૂરક રોજગારીનુ સાધન ગણાય છે પણ ચાલુ વર્ષ કમોસમી વાવાઝોડાને કારણે ટીમરું પાનની સીઝન નિષ્ફ્ળ ગઈ છે.
આ અંગે રાજપીપલા વન વિકાસ નિગમના ઇન્ચાર્જ સબ ડિવિઝીનલ મેનેજર ડી આર ભટ્ટના જણાવ્યા અનુસાર ચોમાસા પહેલા જ કમોસમી વાવાઝોડું અને વરસાદ આવી જતાં અને યોગ્ય ગરમી ના મળતાં ટીમરું પાનને ફોલ્લા પડી જવાથી ટપકાં થવાથી આ પાનની ક્વોલિટી બગડી ગઈ છે. ટીમરું પાન ચીમળાઈ, કોકડાઈ જાય છે. જેને કારણે સારી ક્વોલિટીના પાન ન બનતા વેપારીઓ આવા ખરાબ પાન ખરીદતા નથી. ટીમરું પાનની આવકમાં ચાલુ વર્ષે 25 થી 45% નો ઘટાડો થયો છે. જેનાથી આદિવાસીઓ અને વેપારીઓને નિરાશ થવાનો વારો આવ્યો છે.
દર વર્ષે નર્મદા જિલ્લાના 7 યુનિટમા 73 જેટલા ફળ સેન્ટરો પર ટીમરુનાં પાનનું એકત્રીકરણ ચાલતું હોય છે. જેમાં અભ્યારણ્ય વિસ્તારના 6 કેન્દ્રો, ડુમખલ, પીપલોદ, મોરજડી, ફુલસર, જુનવદ, ઝરવાણી જેમાં 43 જેટલાં ફળ સેન્ટરો આવેલા છે. આ કેન્દ્રોમા પ્રવેશની મનાઈ હોવાથી નિગમ દ્વારા ખાતાકીય કામગીરી કરી ખરીદ કરી ખાનગી વેપારીઓને આપી દેતા હતા પણ ચાલુ સીઝનમાં આવક ઘટી છે.
જયારે અન્ય 7 કેન્દ્રો સાગબારા, ગંગાપુરા, ડેડીયાપાડા, રાજપીપલા, આમલેથા, અને ગોરાના જંગલમાં વેપારીઓને હરાજી દ્વારા ટેન્ડરથી માલ વેચી દેવામાં આવતો હોય છે પણ સારી જાતના પાન ન આવ્યા હોવાથી વેપારીઓ નિરાશ થયાં છે.