માંગરોળ તાલુકા મથક મામલતદાર કચેરી ખાતે જન હિત રક્ષક સમિતિના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે દેખાવ વિરોધ પ્રદર્શન કરી તાલુકામાં બેફામ થતું દારૂનું વેચાણ અને જુગારના અડ્ડાઓ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માંગ કરી મામલતદારને આવેદન આપ્યું હતું.
નિવૃત આઈ એ એસ અધિકારી જગતસિંહ વસાવા, પસિંગભાઈ ગામીત, સિરીષભાઈ ચૌધરી, કેતન ભટ્ટ, પ્રકાશ ગામિત, મનીષ વસાવા, વગેરે આગેવાનોના નેતૃત્વ હેઠળ માંગરોળ મામલતદાર કચેરી ખાતે જન હિત રક્ષક સમિતિના કાર્યકરોએ પોસ્ટર બેનરો સાથે દારૂ બંધીનો કડક અમલ જુગાર ના અડ્ડાઓ બંધ કરો. ગરીબ વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ યોજના ચાલુ કરો, વગેરે મુદ્દે સુત્રોચારો કરી દેખાવ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ ફરજ પરના મામલતદાર પાર્થ જયસ્વાલને આગેવાનોએ આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું કે માંગરોળ તાલુકામાં બેફામ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે છતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.
બુટલેગરો બેફામ બન્યા છે બિનઅધિકૃત પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે અંતમાં દિન સાત માં દારૂ જુગારના અડ્ડા બંધ નહીં થાય તો જનહિત રક્ષક સમિતિ જનતા રેડ કરશે અને કોઈ અઘટિત ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્ર અને સરકારી તંત્રની રહેશે તેવી ચીમકી જન હિત રક્ષક સમિતિના આગેવાનોએ આપી છે વધુમાં રાજ્ય સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની ફ્રી સીટ કાર્ડ યોજના તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અગાઉ ગરીબ વિદ્યાર્થીઓ ફ્રી સીટ કાર્ડ યોજનાથી ફાઈનાન્સ સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરી શકતા હતા પરંતુ સરકારે આ યોજના બંધ કરતા ખાસ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ યોજના શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સ્થાનિક યુવા કાર્યકરો ભુપેન્દ્ર ચૌધરી, રણજીત વસાવા, અનુરાગ ચૌધરી અયાઝ મલેક કીર્તિ ચૌધરી દિલીપ વસાવા વિકાસ પાઠક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.