આગામી તા.૨૧ મી જૂન ૨૦૨૩ ના રોજ ૯ મા વિશ્વ યોગ દિવસની થનારી ઉજવણીના સંદર્ભમાં નર્મદા જિલ્લાના અગત્યના બે સ્થળોની આઇકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઈનરેકા સંસ્થાન દેડિયાપાડા સહિત નર્મદા જિલ્લામાં વિશ્વ કક્ષાએ યોગ દિવસની થનારી ઉજવણીના આયોજનના ભાગરૂપે આજે તા.૧૬/૦૬/૨૩ ને શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગે જિલ્લામાં કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગેની વિગતો પત્રકારો સમક્ષ મૂકી માહિતી આપતા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જણાવ્યું કે, આ વખતે નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહ ઉલ્લાસ સાથે ઉજવણી જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા અને નગરપાલિકા કક્ષાએ કરવામાં આવશે. ખાસ કરીને નર્મદા જિલ્લામાં બે આઇકોનિક સ્થળો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇનરેકા સંસ્થા દેડીયાપાડાની ખાસ પસંદગી કરવામાં આવી છે. જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ઇનરેકા સંસ્થા-દેડીયાપાડા ખાતે યોજાશે. તેને સમાંતર દરેક તાલુકામાં મુખ્યમથક ખાતે અને નગર પાલિકા કક્ષાએ પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ તમામ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
વધુમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, વિશ્વ યોગ દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને યોગબોર્ડ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો દ્વારા જિલ્લાના નાગરિકો-વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. પંચાયત વિભાગ દ્વારા ગામડાઓમાં રેલી, આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી/પી.એચ.સી સેન્ટરો પર ઓ.પી.ડીના સમયે યોગનું મહત્વ સમજાવવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરીનું આયોજન, પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલી જેવી આઈઈસી એક્ટિવિટી થકી યોગનો પ્રચાર પસાર કરવામાં આવશે. જિલ્લામાં યોગ દિવસની થનારી ઉજવણીમાં દિવ્યાંગો સાથે સાધુ સંતો, લઘુમતિ સમુદાયના નાગરિકો, ટ્રાન્સજેન્ડર સહિત તમામ નાગરિકોને યોગ દિવસની ઉજવણીમાં સામેલ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તા.૧૬/૦૬/૨૦૨૩ ના રોજ ભરૂચ અને નર્મદા જિલ્લાનું સંયુક્ત રીતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન ભરૂચ મુકામે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નર્મદા જિલ્લામાં એક યોગ કો-ઓર્ડીનેટર, ૧૧ યોગ કોચ, ૧૦૦ યોગ શિક્ષકોની નિમણુક કરવામાં આવી છે. તેઓ દ્વારા નર્મદા જિલ્લાના વિવિધ ગામડાઓમાં કુલ ૫૦ જેટલાં નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવવામાં આવી રહ્યાં છે. સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નર્મદાની ટીમ દ્વારા યોગ જાગૃતિ માટે યોગ યાત્રાનું આયોજન ગત તા. ૨૪/૦૫/૨૦૨૩ ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ- રાજપીપલા ખાતે કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાની યોગ બોર્ડની ટીમ દ્વારા યોગ સમર કેમ્પનું આયોજન પણ પ્રાથમિક શાળા સોલીયા અને દેડીયાપાડા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લઇ યોગની તાલીમ મેળવી હતી.