રાજ્યમાં ‘બિપોરજોય’ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર સહિત કચ્છ, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ તોફાની પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. ત્યારે ગુરુવારે બપોરે વાવાઝોડાની ખેડા જિલ્લામાં અસર શરુ થઇ છે. જેમાં ડભાણ રોડ પર સુકુ ઘટાદાર વૃક્ષ રીક્ષા પર પડતાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે.
આ સાથે સાથે સમગ્ર જિલ્લામાં પવનની ગતિ વધતાં રોડ પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે. તેજ ગતિએ પવન ફૂંકાતા ટુ વ્હીલર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પવનના કારણે નડિયાદ ડભાણ રોડ પર વૃદાવન બંગ્લોઝ પાસે આજે બપોરે એક સુકુ વૃક્ષ જમીન પર ધરાશાયી થયું હતું. વૃક્ષ રોડ તરફ પડતાં અહીંયાથી પસાર થતી રીક્ષા પર પડ્યું હતું. જેના કારણે રીક્ષા રોડ પર પલટી ખાઇ ગઇ હતી. રીક્ષા ચાલક સહિત એક પેસેન્જરને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ આસપાસના લોકો આવી ગયા હતાં અને ઘાયલ બંન્ને વ્યક્તિઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. રોડની વચ્ચોવચ વૃક્ષ પડતા રોડ થોડા સમય માટે બ્લોક થઈ ગયો હતો ત્યારબાદ આ વૃક્ષને કટરથી કાપી રસ્તો ખુલ્લો કર્યો હતો.
નડિયાદ ડભાણ રોડ પર પવનના કારણે વૃક્ષ રિક્ષા પર પડતાં બે વ્યક્તિઓને ઇજા
Advertisement