દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી ગઈ છે. ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોચિંગ સેન્ટરના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યા બાદ કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓ દોરડાની મદદથી નીચે ઉતરીને પોતાનો જીવ બચાવતા નજર આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ એક બાદ એક દોરડાથી બહાર લટકી રહ્યા છે અને એક બાદ એક નીચે આવી રહ્યા છે. કોચિંગ સેન્ટરના ચાર વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આગ લાગ્યા બાદ કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓએ દોરડાના સહારે નીચે ઉતરીને જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક પછી એક વિદ્યાર્થીઓ કેવી રીતે દોરડા પરથી નીચે ઉતરી રહ્યા છે તે જોઈ શકાય છે.
મુખર્જી નગરમાં બત્રા સિનેમા પાસે ગયાના ભવન છે જ્યાં આગ લાગી હતી. કુલ 11 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોચિંગ સેન્ટરમાં ધુમાડો ફેલાઈ જવાને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તમામ વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે.
દિલ્હી પોલીસના પીઆરઓ સુમન નલવાએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગના મીટરમાં લાગી હતી. ઉપરના માળે ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે અરાજકતા ફેલાઈ ગઈ હતી. ત્યાં સિવિલ સર્વિસ માટે કોચિંગ સેન્ટર હતું કેટલાક વિદ્યાર્થીઓ બારીમાંથી નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાં 3-4 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.