નાઈજીરિયામાં એક બોટ પલટી જતાં મોટો અકસ્માત થયો હતો. ઉત્તર નાઈજીરીયામાં લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા રહેવાસીઓને લઈ જતી બોટ પલટી જતા લગભગ 100 લોકોના મોત થયા હતા.માહિતી અનુસાર પોલીસ અને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ઘટનામાં બચી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ બોટ ઓવરલોડ થઈ જતાં પલટી જવાની પણ માહિતી મળી રહી છે. બોટમાં આશરે 300 લોકો સવાર હતા. અત્યાર સુધી 53 જ લોકોને બચાવી શકાય છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.
પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું હતું કે પાડોશી નાઇજર નજીક કવારા રાજ્યમાં નાઇજર નદીમાં બોટ પલટી ગઇ હતી. “અમને જાણવા મળ્યું છે કે નાઈજર નદીમાં એક બોટ પલટી ગઈ હતી, જેમાં લગભગ 100 લોકોના મોત થયા છે. જો કે, સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે.”
નોંધનીય છે કે આ દુર્ઘટના નાઈજીરિયાની સૌથી મોટી નદીમાં થઈ હતી. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકો અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં લાગેલા છે. ઉલ્લેખનીય છે કે નાઈજીરિયામાં આવો અકસ્માત થયો છે. અહીંના લોકો મોટાભાગે સ્થાનિક રીતે બનાવેલા જહાજોનો ઉપયોગ કરે છે, જેના કારણે આવા અકસ્માતો થતા રહે છે.