ભરૂચ શહેરમાં મકાન ભાડે આપી નજીકના પોલીસ મથકે નોંધણી કરાવવી ખૂબ જ જરૂરી બની છે, જો તમે પણ મકાન કોઈકને ભાડે આપ્યું છે અને તેની નોંધણી પોલીસ મથકે નથી કરાવી તો સતર્કતા દાખવી કરાવી લેવી જોઈએ તેમ છે, નહી તો તમારી સામે પણ ગમે ત્યારે પોલીસ કાર્યવાહી થઈ શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી તારીખ 20/06/2023 ના અસાઢી બીજ નિમિતે ભગવાન જગન્નાથ ની રથયાત્રા આવનાર હોય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના સૂચના અને માર્ગદર્શન આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓએ ભરૂચ શહેરના રથયાત્રા રૂટ ઉપર સધન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન શહેરના ફુરજા સહિત આસપાસના વિસ્તારમાં ફરતા શંકાસ્પદ ઈસમો તેમજ મકાન ભાડે આપી નજીકના પોલીસ મથકે નોંધણી ન કરાવનારા મકાન માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હા દાખલ કરવામાં આવ્યા હતા. SOG પોલીસ દ્વારા કુલ 16 જેટલાં ગુન્હા દાખલ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર મચ્યો હતો.