શાળા પ્રવશોત્સવ-૨૦૨૩ કાર્યક્રમની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની પ્રા.શાળામાં કે.એમ. ભીમજીયાણી (IAS) ના હસ્તે આંગણવાડી, બાલવાટિકા અને ધો.૧ ના વિદ્યાર્થીઓનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. કે.એમ. ભીમજીયાણી હસ્તે પ્રા.શાળા આછોદમાં આંગણવાડીમાં ૭ બાળકો, બાલવાટિકાના ૪૨ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો.
કે.એમ. ભીમજીયાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, શિક્ષણથી વ્યક્તિ પોતાનું, ગામનું અને જિલ્લાનું નામ રોશન કરી શકે છે. વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થવાનું પ્રથમ પગલું શાળા છે. જે તેમનું ભવિષ્ય નક્કી કરે છે. શિક્ષણનું મહત્વ સમજી શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવવી જોઈએ. ઉપરાંત વ્યાવસાયિક તાલીમ મેળવવી પણ જીવનમાં ખૂબ જરૂરી છે. તેમણે શિક્ષકોની કાર્યદક્ષતાને વખાણી ઉપસ્થિત મહાનુભાવોનો આભાર માન્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોને પુસ્તક આપીને સ્વાગત કરીને કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં તેજસ્વી બાળકો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળા ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વધુમાં કે.એમ. ભીમજીયાણીએ શાળાની એસ.એમ.સી કમિટીની બેઠક યોજી શાળાકિય બાબતોની સમિક્ષા કરી હતી.
આ પ્રસંગે, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા, ગામના સરપંચ આગેવાનો, આસીડીએસ વિભાગ અને અન્ય વિભાગના અધિકારી, શિક્ષકો, એસએમસીના સભ્યો તેમજ નાના ભૂલકાંઓ ઉપસ્થિત રહ્યા હતા.